પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫૦

પાછળ અલકબ્હેનની સાથે વાતો કરતો કરતો પોતાનાં પગથીયાં પર ચ્હડવા લાગ્યો અને સૌભાગ્યદેવીના બાળક પુત્રને પોતાના હાથમાં લેઈ તેને પ્રીતિથી વિનોદપ્રશ્ન પુછવા લાગ્યો.

જુદાજુદા ખંડોમાં મેવા મીઠાઈ, હરિકથા, કીર્તન, ધૂપ, અત્તર, “સેણ્ટ” ગાનતાન, અને અનેક જાતના વિનોદમાં રાત્રિને દ્‌હોડ પ્રહર વીત્યો ને ધીમે ધીમે સર્વે વેરાયાં. સ્ત્રીમંડળનો મ્હોટો ભાગ કથામાં હતો તે પુરી થતા સુધી સમુદ્રભણીની બારીયો ઉઘાડી મુકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો પડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લ્હેરોથી નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને પાંચ મિનિટ સ્વપ્ન થયું તેમાં તે સુન્દરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઉભેલી કુસુમને ક્‌હેતો હતો: “કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સુવે છે ને તેને પ્હેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ? भूतलशय्या तरुलतावासः कस्य सुखं न करोतु विरागः" આટલું બોલે છે તેની સાથે પલંગનો પથરો થઈ ગયો અને બેનાં શરીર ઉપર વસ્ત્રોની કન્થાઓ, થઈ ગઈને સ્વપ્ન પુરું થયું.

કથાને અંતે ઘીની વાટોથી ને કપુરથી પ્રકટેલી ઘણાં ખાનાંવાળી મ્હોટી ચાંદીની આરતી ઉપર હાથ ફેરવી – ઓવારણાં લેઈ –સર્વ મંડળે નિરંજનનું વંદન કરી આંખે લીધું. તે આરતી લેઈ ગુમાને કુસુમને સરસ્વતીચંદ્ર પાસે મોકલી. સરરવતીચંદ્ર એકલો આરામાસનમાં નિદ્રાવશ સુખી થઈ સુતો હતો તેના સામી આરતી લેઈ કુસુમ ઉભી, પણ એ જાગ્યો નહી. એના મુખ ઉપર આરતીને પ્રકાશ પડતાં કુસુમ એ મુખ ઉપર મોહિત થઈ એમની એમ ઉભી રહી.

પ્રિયમુખ જોતાં એનું પોતાનું મુખ આનન્દથી મલકાતું હતું, પણ તેનું એને ભાન ન હતું. દેવને કરવાની આરતી પતિદેવને જ કરવા ઈચ્છતી હોય – સર્વ દેવના કરતાં પતિદેવતને જ શ્રેષ્ઠ અને પ્રિયતમ ગણતી હોય – તેમ – અથવા એમ ગણીને જ – માત્ર પતિમુખ ભણી આરતી ધરીને– આરતીના અનેક દીવાઓના એક થયલા પ્રકાશથી એ મુખને જોતી જોતી ઉભી જ રહી ને ગણગણી:-

[૧]વ્રજ વ્હાલું રે વૈકુંઠ નથી જાવું !
ત્યાં મુજ નન્દકુંવર કયાંથી લાવું? – વ્રજ૦”

ઘણાંને આરતીનું વંદન લેવું રહી ગયું હતું ને વહુ પાછી આવી નહી


  1. ૧. પ્રસ્તાવિક