પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
ખેડા સત્યાગ્રહ - ૧


ગવર્નર સાહેબનો તા. ૧૭મી માર્ચે જવાબ આવ્યો કે:

“સરકારને ખેડા જિલ્લામાં બનતા બનાવો વિષે વાકેફ રાખવામાં આવે છે. કલેક્ટર અને રેવન્યુ ખાતાના અધિકારીઓ ખેડૂતોનાં હિત પૂરેપૂરાં ધ્યાનમાં લઈ નિયમ અને ધોરણ પ્રમાણે વર્તે છે એવો સરકારને પૂર્ણ વિશ્વાસ છે.”

હજી સરકારને એક વધુ તક આપવા કમિશનર મિ. પ્રૅટને તા. ૨૦મીએ ગાંધીજીએ કાગળ લખ્યો:

“સત્યાગ્રહનાં પ્રતિજ્ઞાપત્રો બહાર પાડું અને સભાઓ ભરું તે પહેલાં તમને એક છેલ્લી વિનંતી કરવાની તક લઉં છું, કે બીજા હપ્તાની રકમ આખા જિલ્લામાં મુલતવી રાખવાના હુકમો બહાર પાડો. તેમાં જણાવશો કે સનંદિયા જમીન ધારણ કરનારાઓ મહેસૂલ પૂરેપૂરું ભરી દેશે એવી સરકાર આશા રાખે છે. આવા હુકમો બહાર પાડવા એ શું અશક્ય છે? આથી ખળભળાટ શાંત પડશે. હાલના સંજોગોમાં મારા માનવા મુજબ આ રહેમભરી રાહત મનાશે.”
કમિશનરે જવાબ લખ્યો:
“તમારા પત્રમાં કરેલી માગણી મુજબ જાહેર કરવાનું શક્ય નથી. ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, અને સંજોગો પૂરા ધ્યાનમાં લીધા બાદ જે રાહત આપવી જરૂરી હતી તે અપાઈ છે, અને તે પૂરતી છે. બાકી રહેલી રકમ ઉઘરાવવા માટે કલેક્ટરના હુકમ બહાર પડી ચૂક્યા છે.”

આમ સમાધાનીના પ્રયાસોનો અંત આવ્યો. સમાધાનીનો એક પણ પ્રયત્ન બાકી ન રહે અને સામા પક્ષ તરફથી તમામ દ્વાર બંધ કરવામાં આવે ત્યાર પછી જ સત્યાગ્રહ કરી શકાય એ સિદ્ધાંતનું ગાંધીજીએ કેટલું ચીવટથી પાલન કર્યું હતું એ ઉપરના વર્ણનમાંથી જોઈ શકાય છે. જે રાહત મેળવવાનો ખેડૂતનો હક્ક હતો, તે જો ન મળે તો જમીનમહેસૂલ ભરવાનો ઇનકાર કરી કાયદાનો સવિનય ભંગ કરવાનો હિંદુસ્તાનમાં આ પહેલો જ પ્રયોગ હતો. પોતાની ઉપર ગુજરતા ત્રાસથી લોકો અકળાયા હતા અને તેનો સક્રિય વિરોધ કરવા અધીરા બન્યા હતા. પરંતુ વખત પાકે ત્યાં સુધી ગાંધીજીએ તેમની પાસે ખામોશી રખાવી હતી. અત્યાર સુધી વર્તમાનપત્રોમાં પણ કશી ચર્ચા ઉપાડી ન હતી. પણ લડત શરૂ કર્યા પછી તેનો ધોધ ચાલ્યો.