પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
સરદાર વલ્લભભાઈ


“ખેડાના ખેડૂતોએ ન્યાય અને સત્યની લડત લડવાને હામ ભીડી છે. તેમને મદદ કરવાની પત્રકારોને અને પ્રજાકીય આગેવાનોને વિનંતી કરવાની રજા લઉં છું. વાચકોએ એ પણ યાદ રાખવું જોઈએ કે ખેડા જિલ્લાની પ્રજાનો આ વર્ષે પ્લેગે ઘાણ કાઢી નાખ્યો છે. હાલમાં પણ લોકો ગામબહાર ખેતરોમાં ખાસ ઊભા કરેલા માંડવાઓમાં રહે છે. . . . ભાવો ચઢી ગયા છે, પણ કશું પાક્યું નથી એટલે ખેડૂતોને ચઢેલા ભાવોનો કશો લાભ મળતો નથી અને મોંઘવારીના દરેક ગેરલાભ તેમને વેઠવા પડે છે. છતાં તેઓને નાણાંની મદદની જરૂર નથી. તેઓ તો એકે અવાજે આખી જનતાનો ટેકો અને સહાનુભૂતિ માગે છે.”

પછી તરત જ ઇંદોરમાં હિંદી સાહિત્ય સંમેલનના પોતે પ્રમુખ નિમાયેલા હોવાથી થોડા દિવસ તેમને ત્યાં જવું પડ્યું. તેઓની ગેરહાજરીમાં સરદાર બધું કામ સંભાળતા હતા. તા. ૩૦ માર્ચના રોજ ખેડા જિલ્લાના ખેડૂતોની બીજી એક મોટી સભા નડિયાદમાં બોલાવવામાં આવી. તેમાં મુંબઈની હોમરૂલ લીગના ઘણા આગેવાન સભ્યોએ હાજરી આપી. એ સભાના પ્રમુખપદેથી સરદારે આપેલા ભાષણમાંથી કેટલાક ઉદ્‌ગારો અહીં નોંધીશુ:

“આ લડતમાંથી આખો દેશ સળગી ઊઠશે. દુ:ખ સહન કર્યા વગર સુખ મળતું નથી. અને મળે તો લાંબો વખત ટકતું નથી. મજબૂત અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે. નાલાયક અને બીકણ પ્રજાની વફાદારીમાં માલ નથી. નીડર અને સ્વમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને શોભા આપનારી છે. . . .
“તેવીસ લાખના મહેસૂલમાંથી પોણાબે લાખની રકમ મુલતવી રાખવામાં આવી છે. વળી પહેલો હપ્તો ઘણાખરો ભરાઈ ગયો છે. એટલે બાકી દસેક લાખ રહે. આટલી રકમ મુંબઈ કે ગુજરાતમાં ઉઘરાણું કરી ભેગી કરી સરકારને ભરી દઈએ તો લોકોને રાહત મળે અને સરકાર તરફથી થતી હાડમારીઓમાંથી બચાય. આવો વિચાર કેટલાકને થતો હશે.*[૧] પણ
  1. *‘ઇન્ડિયન સેશિયલ રિફોર્મર’ સાપ્તાહિકમાં શ્રી નટરાજને ખેડાના સત્યાગ્રહ વિષે એક અગ્રલેખ લખ્યો હતો. તેની મતલબ એ હતી કે, માની લઈએ કે જિલ્લામાં પાક તદ્દન નિષ્ફળ ગયો છે તેથી જમીનમહેસૂલની મુલતવી માગવાને ખેડૂતો હકદાર છે, છતાં સરકાર મુલતવી આપતી નથી. તો તેનો ઉપાય સત્યાગ્રહ કરી મહેસૂલ ન ભરવું એ નથી. પણ મુંબઈ સ૨કાર ન માને તો હિંદી સરકાર પાસે જવું, આખા દેશમાં લોકમત જાગ્રત કરવો અને તેથીયે આગળ ઇંગ્લંડ જઈ પાર્લમેન્ટમાં પોકાર ઉઠાવવો તથા ઇંગ્લંડનો લોકમત જાગ્રત કરવા પ્રયત્ન કરવો. કાયદાભંગની હિલચાલની એકંદરે લોકમાનસ ઉપર માઠી અસર થાય છે, સમાજમાં સારા કાયદા પ્રત્યે પણ માનની વૃત્તિ ઘટે છે. વળી આવી લડતથી તો લોકો વધારે દુઃખી થાય છે. ખરાબ વર્ષનું દુ:ખ તો છે જ.