પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
ખેડા સત્યાગ્રહ - ૨

કારકુનોને તે કામમાં રોકી લીધા છે. આખા જિલ્લામાં ખાલસાની નોટિસો કાઢી, ખાલસાના હુકમો પણ કર્યા, મુખ્ય માણસોને ઘેર જપ્તીઓ કરી, ચોથાઈ દંડ લીધા, ઊભો પાક જપ્તીમાં લીધો, જેલનો ડર બતાવ્યો, પણ પ્રજા અડગ રહી અને અમલદારો થાક્યા એટલે કમિશનર સાહેબ એમની મદદે આવ્યા. તમામ ખેડૂતોને નડિયાદ મુકામે ભેગા કરી તેમણે ખૂબ ધમકી આપી, ગવર્નર સાહેબનો પત્ર વાંચી સંભળાવ્યો, જપ્તીઓ બંધ કરવાનો નિશ્ચય કર્યો, ફોર્મ ખૂટી ગયાં એટલી ખાલસાની નોટિસો કાઢી અને ખાલસાના હુકમો કર્યા. ખેડૂતોએ તે હર્ષથી વધાવી લીધા અને સરકારી તિજોરીમાં પૈસો આવ્યો નહીં. . . . એટલે ખાલસાની વાત વીસરી જઈ જપ્તીઓનું કામ શરૂ કર્યું છે. . . .

“ખેડૂતોને ભારેમાં ભારે ત્રાસ આપી ડરાવવાના હેતુથી જપ્તીમાં લઈ શકાય એવી બીજી મિલકત હોવા છતાં સંખ્યાબંધ ભેંસો જપ્તીમાં લે છે, ખાસ કરીને દૂઝણી ભેંસો લે છે. તેમને તાપમાં બાંધવામાં આવે છે, પાડાપાડીથી વિખૂટી પાડવામાં આવે છે, જાનવરો રાડો પાડે છે, તે જોઈ સ્ત્રીઓ કકળાટ કરે છે અને બાળકો હૃદયભેદક રુદન કરે છે. આમાં ભેંસની કિંમત અડધી થઈ જાય છે. છતાં ધર્મ પાળનાર ખેડૂત ધીરજથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે અને શાંતિથી દુઃખ સહન કરે છે. ચૂંટી ખણતાં લોહી નીકળે એવાં સાચવેલાં ઢોર ઉપર ગુજરતો આ ત્રાસ સ્ત્રીઓ જોઈ શકે નહીં, છતાં આવા પ્રસંગોમાં સ્ત્રીઓ ભારે હિંમત બતાવે છે. . . .
“લડત લંબાતી જાય છે તેમ તેમ પ્રજાની કસોટી થાય છે. દુઃખ સહન કરવાનો પ્રસંગ જ ન આવ્યો હોત તો પ્રજાને આ લાભ મળત નહીં. . . . સત્તાના દોરથી સાહેબી ભોગવનારા અમલદારોને આજે ગામમાં કોઈ સત્કાર કરનાર મળતું નથી. મોં માગી ચીજ મફત મેળવનારને પૈસા ખર્ચે તો પણ જરૂરી ચીજ મળતી નથી. . . . હવે એમનાં હૃદય પણ પીગળ્યાં છે. રૈયતના તરફ સત્ય છે એવી એમના હૃદયમાં ઝાંખી થયેલી માલૂમ પડે છે. પણ હાલની ચાલતી રાજ્યપદ્ધતિમાં તેઓ લાચાર છે. આવા કઠણ સંજોગોમાં તેઓ કોઈ વખત મર્યાદા છોડે, ક્રોધ કરે, ત્રાસ આપે તોપણ આપણે મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને તેમના ઉપર રોષ ન કરતાં તેમની દયા ખાવી અને શાંતિ પકડવી એ ખાસ જરૂરનું છે. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ એટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે. . . . ”

એકસરખી જપ્તીઓ ચાલુ હોવા છતાં લોકો હિંમત રાખી શક્યા હતા અને આનંદથી પોતાનાં ઢોરઢાંખર, ઘરેણાં તથા વાસણ જપ્ત થવા દેતા હતા. તેમાં પુરુષોની સાથે સ્ત્રીઓએ આગળપડતો ભાગ લેવા માંડ્યો હતો, તે જોઈ મુંબઈનાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ દિંગ થઈ ગયા અને