પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સરદાર વલ્લભભાઈ


વર્તમાનપત્રોમાં ખેડૂતોની બહાદુરીની પ્રશંસાના લેખો લખવા માંડ્યા. એક પ્રસંગે તો ખુદ કલેક્ટર પણ બોલી ગયા કે, “જે રીતે રૈયત લડી રહી છે તે બહુ ખૂબીદાર છે.” બીજા પ્રાંતોમાં પણ મોટી મોટી સભાઓ ભરાવા માંડી અને ત્યાંથી સહાનુભૂતિના તાર આવવા લાગ્યા.

બિહારથી પાછા આવ્યા બાદ તા. ૩જી જૂને ગાંધીજી નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે પહોંચ્યા કે તરત જ મામલતદાર ગાંધીજીને ઉતારે ગયા અને થોડી વાતચીત બાદ તેમણે જણાવ્યું કે, જો સારી સ્થિતિવાળા મહેસૂલ ભરી દે તો ગરીબ લોકોનું મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીના કહેવાથી મામલતદારે વસ્તુ લેખી રૂપમાં આપી. ગાંધીજીએ તરત કલેક્ટરને લખ્યું કે આવી જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં આવે તો અમારે લડવાપણું રહેતું નથી. ગાંધીજીને મતે તો આ લડત સિદ્ધાંતની અને ટેકની હતી, કલેક્ટરના ‘અફર’ ગણાતા ‘છેવટના હુકમ’ ફેરવવાની લડત હતી. એટલે એક આસામીનું મહેસૂલ બાકી રહ્યું હોય અને રીતસરનો હુકમ કાઢી તે મુલતવી રાખવામાં આવે, તો એટલાથી પણ પ્રજાની જીત થતી હતી. જેમ કમિશનરની ભારે ધમધમાટી સાથેના ખાલસાના હુકમો હવામાં અધ્ધર રહી ગયા હતા તેમ બારીક તપાસ પછી કાઢેલા કલેક્ટરના ‘છેવટના હુકમ’ પણ આવી જાતની મુલતવીથી ઓગળી જતા હતા. પ્રજાને કષ્ટ તો બહુ વેઠવું પડ્યું અને નુકસાન પણ બહુ ખમવું પડ્યું, પણ અમલદારોના કક્કાને પ્રજામત ખોટો પાડી શકે છે એ જાતના આત્મવિશ્વાસની પ્રજાએ ભારે કીમતી કમાણી કરી. ગાંધીજીની વાત કલેક્ટરે માન્ય રાખી અને તે પ્રમાણેના હુકમો જાહેર થયા. એટલે તા. ૬ઠ્ઠી જૂનના રોજની ગાંધીજીની તથા સરદારની સહીવાળી પત્રિકાથી લડત બંધ થયેલી જાહેર કરવામાં આવી.

આ પત્રિકા કાઢતાં પહેલાં ગાંધીજીની કલેક્ટર સાથે એક મુલાકાત થઈ. તેમાં અમલદારોની એક ચાલબાજીનો ભેદ ખુલ્લો પડી ગયો. કલેક્ટરે ગાંધીજીને કહ્યું કે, “ઉપર પ્રમાણે છૂટ આપવાનો હુકમ તો તા. ૨૫મી એપ્રિલે મામલતદારો ઉપર મોકલવામાં આવ્યો હતો. વળી તેનો બરાબર અમલ થાય એવા હેતુથી ફરી પાછો તા. ૨૨મી મેના રોજ હુકમ મોકલવામાં આવ્યો હતો. તેઓને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આપી શકે એવાની અને ન આપી શકે એવાની એમ બે યાદીઓ તૈયાર કરવી.” આમ છતાં આ હુકમોની પ્રજાને કે કાયકર્તાઓને કોઈને કશી જાણ કરવામાં આવી નહોતી એટલું જ નહીં પણ જપ્તીનું કામ આ હુકમની તારીખ પછી પણ આખો મે મહિનો વધુ જોસથી ચલાવવામાં આવ્યું હતું. અમલદારોના આવા વર્તન પાછળ શો