પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સરદાર વલ્લભભાઈ


જતા. પણ એ બધું હવે દોહ્યલું થઈ પડ્યું. પણ એમ ગાંધીજી કે સરદાર નિરાશ થાય એવા નહોતા. એક ગામથી બીજે ગામ પગે ચાલીને જ જવાનું ઠરાવ્યું. કદાચ ગામડામાં ખાવાનું પણ ન મળે અને માગવું એ તો યોગ્ય નહીં જ એમ વિચારી પ્રત્યેક સેવક ખાવા પૂરતું પોતાની થેલીમાં જ લઈને નીકળે એમ ઠરાવ્યું. ઉનાળો હતો એટલે મોટા બિસ્તરાની તો જરૂર નહોતી. ગાંધીજી આ ભ્રમણમાં પોતાનો મુખ્ય ખોરાક શેકેલી અને ખાંડેલી મગફળી અને ગોળ, કેળાં અને બે ત્રણ લીંબુનું પાણી એ રાખતા. સરદાર પણ એનાથી ચલાવી લેતા. ભરતી માટે થોડા દિવસ માતર તાલુકાના નવાગામ ગામે મુકામ નાખ્યો. ત્યાં ગાંધીજી રાંધતા અને રોટલી અગર ખીચડી ને શાક બનાવતા અને એ તથા સરદાર જમતા. મહાદેવભાઈ નડિયાદથી દરરોજ ટપાલ લઈને બારેજડી સ્ટેશને આગગાડીમાં જતા અને ત્યાંથી નવાગામ અગિયાર માઈલ થાય તે ચાલીને જતા. એક વાર મહાદેવભાઈને થયું કે હું સરદાર માટે ભાખરી ને શાક લેતો જાઉં તો ઠીક. તરત ગાંધીજીએ કહ્યું: “તમે વલ્લભભાઈને એવા પરાધીન શું કામ કલ્પી લો છો? એ તો રાંધીને મને પણ જમાડશે.” પછી સરદારને રોટલી કરવા બેસાડવા માંડ્યા.

આ પ્રવૃત્તિ લોકોમાં એટલી અપ્રિય હતી કે જે ધર્મશાળામાં એમનો ઉતારો હતો ત્યાં ભાગ્યે જ કોઈ મળવા આવતું. એટલે સારી પેઠે વિશ્રાંતિ મળતી, બે જણ પ્રયત્ને વિનોદ મેળવી લેતા. નવાગામમાં અથવા આસપાસનાં ગામોએ સભા થાય તેમાં લોકો આવતા ખરા, પણ ભરતી થવા નહીં, સવાલ પૂછવા માટે. મુખ્ય પ્રશ્નો એ થતા કે, “તમે અહિંસાવાદી થઈને કેમ અમને હથિયાર લેવાનું કહો છો? આ સરકારે દેશનું શું ભલું કર્યું છે કે એને મદદ આપવાનું તમે કહો છો?” ભરતીમાં તો રડ્યાંખડ્યાં એક બે નામ મળતાં. પણ ગાંધીજી અને સરદાર મંડ્યા રહ્યા અને તેમના સતત કાર્યની અસર થવા માંડી.

સોએક નામો થયાં એટલે એમની તાલીમ માટે કેન્દ્ર ક્યાં રાખવું એની કમિશનર સાથે ચર્ચા ચાલી. ગુજરાતમાં તો એકે તાલીમ કેન્દ્ર હતું જ નહીં અને આટલા થોડા માણસો માટે ગુજરાતમાં નવું કેન્દ્ર ખોલવાને બદલે બીજા કોઈ પ્રાંતના ચાલુ કેન્દ્રમાં રંગરૂટોને મોકલી આપવા એમ કમિશનર કહેતા હતા. વળી સૈન્યભરતી માટે ગાંધીજીએ જે પત્રિકા કાઢી હતી તેમાંની એક દલીલ કમિશનરને બહુ ખૂંચતી હતી. એનો સાર આ હતો: “બ્રિટિશ રાજ્યનાં ઘણાં અપકૃત્યોમાં આખી પ્રજાને નિઃશસ્ત્ર કરવાના કાયદાને ઇતિહાસ તેનું કાળામાં કાળું કૃત્ય ગણશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણ તક છે. રાજ્યની આપત્તિને કાળે શિક્ષિત