પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૨

સૈન્યભરતી

ખેડાની લડત ચાલતી હતી તે વખતે જ વાઈસરૉયે બોલાવેલી યુદ્ધ પરિષદમાં હાજરી આપવા ગાંધીજી દિલ્હી ગયા. ત્યાં તા. ર૯-૪-’૧૮ની પરિષદમાં તેમણે સૈન્યભરતીના ઠરાવને ટેકો આપ્યો. ટેકામાં ગાંધીજીએ ભાષણ નહોતું કર્યું, પણ હિંદીમાં આટલું જ બોલ્યા હતા: “મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.”*[૧] તે દિવસથી ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો કે ગુજરાતમાં સૈન્યભરતીનું કામ કરવું. દિલ્હીથી અમદાવાદ પાછા વળ્યા બાદ ગુજરાત સભા પાસે ઠરાવ કરાવ્યો કે યુદ્ધ માટે બિનશરતે સૈન્યભરતીનું કામ ઉપાડવું. નડિયાદ પહોંચ્યા પછી સરદાર અને બીજા કાર્યકર્તાઓ સાથે મસલત કરી. બ્રિટિશ નાગરિકના સંપૂર્ણ હક આપણે માગીએ અને બ્રિટિશ સામ્રાજ્યમાં તેના સરખા ભાગીદાર ગણવાનો દાવો કરીએ તો સામ્રાજ્યની આફતને પ્રસંગે એક અંગ્રેજ જેટલું કરવા તૈયાર થાય છે તેટલું કરવા આપણે તૈયાર થવું જ જોઈએ, એ વાત સરદાર તો સાનમાં સમજી ગયા. તેમના ઉપર એ દલીલની અસર વધારે થઈ કે લોકો બાયલા જેવા થઈ ગયા છે તેમનામાં લડાઈમાં જવાથી હિંમત અને મર્દાનગી આવશે. વળી શિક્ષિત અને મધ્યમ વર્ગના લોકોને હથિયાર વાપરવાનું શીખવાનો આવો સારો મોકો બીજી રીતે મળે એમ છે જ નહીં, માટે એ મોકાનો બરાબર ઉપયોગ કરી લેવામાં જ ખરું ડહાપણ છે. છતાં કેટલાકને ઘૂંટડો ગળે ન ઊતર્યો. કાર્યમાં સફળતા મળવા વિષે ઘણાને શંકા હતી. જે વર્ગમાંથી ભરતી કરવાની હતી તેમને સરકાર પ્રત્યે કશી પ્રીતિ નહોતી અને સરકારી અમલદારોનો કડવો અનુભવ તાજો જ હતો. છતાં આ કામ શરૂ કરવાને ગાંધીજીએ કાર્યકર્તાઓને આગ્રહ કરવા માંડ્યો. સત્યાગ્રહ બંધ થયેલો જાહેર કરવાની પત્રિકા કાઢ્યા પછી થોડા જ દિવસમાં સૈન્યભરતીની પત્રિકા કાઢી અને સૈન્યભરતી માટે ગાંધીજી અને સરદારે ફરવા માંડ્યું. ગાંધીજીની સાથે સરદાર પણ ગાંધીજીના શબ્દોમાં ‘રીક્રૂટીંગ સાર્જન્ટ’ (ભરતી અમલદાર) થયા. પણ કામ કપરું હતું. યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવાનો લોકોને ઉત્સાહ નહોતો. મહેસૂલની લડત વખતે લોકો વાહન આપવાની હરીફાઈ કરતા, એક સ્વયંસેવકની જરૂર હોય ત્યાં ચાર હાજર થઈ


  1. *ગાંધીજી અહિંસાધર્મી હોવા છતાં, સૈન્યભરતીના કામમાં કેમ પડ્યા તેના વિવેચન માટે જુઓ ‘મહાદેવભાઈની ડાયરી’ – પુસ્તક ૪, કિં. રૂ. ૩-૦-૦ (નવજીવન પ્રકાશન મંદિર).

૧૨૫