પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
અસહકાર


મરતાં રાખી હિંદે ઇંગ્લંડને દોઢ અબજ રૂપિયાની ભેટ કરી. શરૂઆતમાં હિંદની વફાદારીને માટે ભારે શંકા રાખવામાં આવતી હતી. પણ હિંદની આવી અણધારી વફાદારી જોઈ ઇંગ્લંડની પ્રજા આશ્ચર્યચકિત બની. . . . આપણા ડાહ્યા અને વિચક્ષણ આગેવાનોએ સામ્રાજ્યને અણીને પ્રસંગે મદદ આપતાં કોઈ પણ જાતની શરત કરવી એમાં ખાનદાનીના ભંગનો દોષ જોયો. . . . ઇંગ્લંડના વડા પ્રધાન અને બીજા પ્રધાનોનાં વચન ઉપર વિશ્વાસ રાખી હજારો બહાદુર મુસલમાનો ખુદ તુર્કીની સામે લડવા ગયા. . . .

“લડાઈ પૂરી થયે આના બદલામાં આપણને શું મળ્યું? વ્યક્તિની સ્વતંત્રતાનો જડમૂળથી નાશ કરે એવા રોલૅટ નામથી ઓળખાતા કાયદાની ભેટ અતિશય આગ્રહપૂર્વક આપણને કરવામાં આવી. . . . પંજાબના હાકેમની જુલમી રાજનીતિના ભાર નીચે કચડાયેલી પ્રજા બળી રહી હતી. રોલૅટ કાયદાની સામે ચાલતી ચળવળ જોરથી દાબી દેવાની નીતિ ગ્રહણ કરી સરકારે બળતામાં ઘી હોમ્યું. મહાત્મા ગાંધીજીને પંજાબમાં જતા અટકાવ્યા, ત્યાંના આગેવાનોને અલો૫ કરી દીધા. પરિણામે પ્રજાનો કેટલોક ભાગ ગાંડો બની ગયો અને ક્ષણિક ગાંડપણમાં એણે અનેક અત્યાચારો કર્યા. ગુસ્સાના આવેશમાં ભાન ભૂલી જઈ ને લોકોએ કરેલા અત્યાચારોનો આપણે બચાવ નથી કરી શકતા. . . . નિર્દોષ માણસોનાં ખૂન થાય, સરકારી મકાનો બળાય, દેવળો બળાય, સ્ત્રીઓ ઉપર હુમલા થાય, ત્યારે સરકાર ગુસ્સે થાય અને કેટલેક અંશે સખ્તાઈની મર્યાદા સાચવી ન શકે તે સમજી શકાય તેમ છે. . . . પણ સરકારે તો જુલમ કરવામાં કશી મણા જ ન રાખી. કોઈ સુધરેલા રાજ્યના ઇતિહાસમાં પ્રજા ઉપર આવો જુલમ કર્યાનો દાખલો જોવામાં આવતો નથી. . . . આ અત્યાચારોની જવાબદારીમાંથી અપરાધી અમલદારોને બચાવવાને ખાતર સરકારે મુક્તિનો કાયદો પસાર કર્યો. ત્યાર પછી આ પ્રકરણની તપાસ કરવા કમિટી નિમાઈ. . . . એ કમિટીએ તો ઢાંકપિછાડો કર્યો.”

પછી અમલદારોના અત્યાચારો વિષે તથા કમિટીના રિપોર્ટ સંબંધે ઇંગ્લંડની પાર્લમેન્ટમાં કેવી ચર્ચા થઈ તેનું વર્ણન કરતાં કહે છે:

“આમની સભા એ બ્રિટિશ ન્યાયની છેલ્લી અદાલત છે. ઈશ્વરના અસ્તિત્વ કરતાં બ્રિટિશ ન્યાયમાં વધારે આસ્થા રાખનાર આ દેશમાં પડેલા છે. આમની સભાએ એમનાં અંધકારનાં પડળ ઉઘાડી નાખ્યાં. કોઈ માણસ પથ્થરને હીરો માની લાંબા કાળ સુધી સાચવી રાખી ભીડને પ્રસંગે વટાવવા જાય અને પસ્તાય તેમાં પથ્થરનો શો દોષ? બ્રિટિશ ન્યાયમાં શ્રદ્ધા રાખવાથી અત્યારે આપણી એ દશા થઈ છે. . . . ઉમરાવની સભામાં તો ઉમરાવોએ પોતાની ખાનદાની ખરેખરી બતાવી! પંજાબનાં ગંભીર દુ:ખોની તેમણે ઠેકડી કરી. એક હિચકારા ગોરા અમલદારની ઈજ્જત સાચવવા ખાતર સેંકડો નિરપરાધી માણસોનાં ખૂન ભૂલી જવાયાં, તેને બહાદુર લેખવામાં આવ્યો અને નિર્દોષ માર્યાં ગયેલાઓને બળવાખોર ઠરાવવામાં આવ્યા. . . .