પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સરદાર વલ્લભભાઈ


“સેંકડો ખૂન કરવામાં જનરલ ડાયરની દાનત સાફ હતી, એણે ફક્ત ગણતરી કરવામાં ભૂલ કરી, એણે થોડી વધારે ગોળીઓ છોડી, પણ એણે હિંદુસ્તાનને બચાવ્યું . . . સર માઈકલ ઓડવાયર જે આ બધા અત્યાચારો માટે મુખ્ય જવાબદાર હતો તેણે કરેલી પંજાબની સેવાઓ યાદ કરીને પ્રધાનમંડળે એની પ્રશંસા કરી. પંજાબની પ્રજાએ જે સેવાઓ કરેલી તે પાણીમાં ગઈ!”

પછી પંજાબના અત્યાચારોની થોડી વિગતો આપી હિંદુસ્તાનની ધારાસભામાં બનેલા પ્રકારનું વર્ણન કરે છે:

“લશ્કરી અમલ દરમિયાન પંજાબમાં ત્રાસ વર્તાવવા ઇરાદાપૂર્વક કતલ ચલાવી, પંજાબીઓનાં નાક ઘસાવ્યાં, તેમને પેટે ચલાવ્યા, જાહેર રસ્તા ઉપર ઊભા રાખી ફટકા લગાવ્યા, શહેર વચ્ચે ફાંસીના માંચડા ઊભા કર્યા. વિમાનમાંથી ગોળા ફેંક્યા, બ્રિટિશ વાવટાને સલામ ભરવા વિદ્યાર્થીઓને સોળ સોળ માઈલ ચલાવ્યા, આગેવાનોને પકડી પકડી કેદમાં પૂર્યા, ખોટા પુરાવા ઊભા કરવા જુલમ કર્યા, પીવાનાં પાણી બંધ કર્યાં, હિંદુ મુસલમાનના ઐક્યની ચેષ્ટા કરી, સ્ત્રીઓની લાજ લુંટી અને એવાં બધાં અનેક રાક્ષસી કામ કર્યાં. . . .
“હિંદની ધારાસભામાં પેટે ચાલવાના હુકમ વિષે ચર્ચા ચાલી ત્યારે જુગારીઓ અને દારૂડિયાનું ટોળું ભરાઈ જેવી ભાષા વાપરે તેવી ભાષા સરકાર પક્ષના કેટલાક સભાસદોએ વાપરી અને પેટે ચાલનારની મશ્કરીઓ કરી. ભલા પંડિત મદનમોહન માલવીયજીનું અપમાન કરવામાં કંઈ બાકી રાખી નહીં.”

ઉપર પ્રમાણે વર્ણન કરી કેટલાક સૂચક સવાલો પૂછે છે:

“પંજાબનું નાક કાપી હિંદુસ્તાનની ઈજ્જત ઉપર હાથ નાખ્યો અને ન્યાય આપવાને બદલે અસહ્ય દુ:ખમાં પીડાતી પ્રજાનાં દુ:ખોની મશ્કરી કરી તે કેમ ભૂલી જવાય? ભવિષ્યની પ્રજાનો આપણા ઉપર કંઈક હક તો છે. આપણે તેમના ટ્રસ્ટી છીએ. જો આપણે અપમાનનો જ વારસો એમને માટે મૂકી જઈએ તો આપણી દોલત અને આપણી સાહેબી તેમને શા કામની છે? આપણે આ અપમાન ગળી જઈએ તો સુધરેલી પ્રજાઓ આપણો તિરસ્કાર કરે તેમાં નવાઈ શી?”

પછી ખિલાફતના દગા વિષે બોલતાં જણાવ્યું:

“તુર્કીના રાજ્યના ભાગલા પાડ્યા, કૉંસ્ટંટીનોપલમાં સુલતાનને એક કેદી જેવો બનાવ્યો, સીરિયાને ફ્રાન્સે પચાવી પાડ્યું, સ્મર્ના અને થ્રેસ ગ્રીસ ગળી ગયું અને મેસોપોટેમિયા અને પૅલેસ્ટાઈનનો કબજો આપણી સરકારે લીધો. અરબસ્તાનમાં પણ પોતાનો કાબૂ રાખી એક નામનો હાકેમ ખડો કરી દીધો. ખુદ વાઈસરૉય સાહેબે પણ કબૂલ કર્યું કે સુલેહની કેટલીક શરતો મુસલમાન કોમને દૂભવે એવી છે. લડાઈ દરમિયાન વડા પ્રધાને