પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સરદાર વલ્લભભાઈ


મ્યુનિસિપલ શાળાઓ ચાલુ રાખી પણ તે ખાલી જેવી રહી, જ્યારે પ્રજાકીય શાળાઓમાં વિદ્યાથીઓ ઉભરાતા રહ્યા. તા. રપ-૬-’રરના ‘નવજીવન’માં સરદારે ‘આપણો હિસાબ’ એ નામના લેખમાં આની વિગતો દીવા જેવી ચોખ્ખી આપી છે :

“અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કર્યાને ચાર માસ થઈ ગયા. મ્યુનિસિપાલિટીને બરતરફ કરી કેળવણી ઉપર પાછો પોતાનો કાબૂ મેળવવાની સરકારે ઉમેદ રાખેલી, સરકારને પોતાના કાનને પ્રિય લાગે એવી જ વાતો સાંભળવાની આદત પડેલી છે. એટલે ખરી હકીકત તેના જાણવામાં ભાગ્યે જ આવે છે. મ્યુનિસિપાલિટી બરતરફ કરવાથી બધી ચળવળ ભાંગી પડશે, નાણાંને અભાવે સ્વતંત્ર શાળાઓ કોઈ ચલાવી શકશે નહીં, લોકો પૈસા આપશે નહીં, માબાપ છોકરાંઓને નવી પ્રજાકીય શાળાઓમાં મોકલતાં ડરશે. શિક્ષકો બિચારા અપંગ છે, તેઓ કાયમની નોકરી છોડી આવી નવી નિશાળોમાં જાય જ નહીં, આવી અનેક વાતો સાંભળી તે ઉપર વિશ્વાસ રાખી અમદાવાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરી. પણ સરકારની બધી ધારણાઓ ખોટી પડી. પ્રજાકીય કેળવણી મંડળ તરફથી આજે અમદાવાદમાં ૪૩ શાળાઓ ચાલે છે. તે પૈકી ૧૩ કન્યાશાળાઓ છે અને ૮ ઉર્દૂ શાળાઓ છે. શાળાના મકાનો માટે ન્યાતની વાડીઓનાં કેટલાંક ભવ્ય અને સુંદર મકાનો મળ્યાં છે. આ શાળાઓમાં ૨૭૦ શિક્ષકો કામ કરે છે. તેમાં ૬૫ ટકા ટ્રેન્ડ શિક્ષકો છે. તે પૈકી ૧૬૦ મ્યુનિસિપાલિટીની નોકરી છોડી દઈ આવેલા છે. ચાલુ અઠવાડિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮,૪૦૦ જેટલી થઈ છે. મુસલમાન છોકરાઓની સંખ્યા ૯૦૪ની છે. કન્યાશાળાઓમાં ૨,૧૦૭ બાળાઓ ભણે છે. ઘણીખરી શાળાઓમાં સંખ્યા હજી વધતી જાય છે.
“આજ સુધીમાં ત્રીસ હજાર રૂપિયા ખર્ચ થયો છે. માસિક ખર્ચ દસ હજાર રૂપિયાનો આશરે થશે. પ્રજાકીય કેળવણી મંડળે આજ સુધીમાં એક લાખ પચીસ હજાર રૂપિયા ભરાવ્યા છે, જે પેટે રૂપિયા પચાસ હજાર વસૂલ આવ્યા છે.
“સરકારે નીમેલી કમિટી તરફથી ચાલતા વહીવટમાં હાલ નવી ખોલેલી બે શાળાઓ સાથે ૫૭ શાળાઓ ચાલે છે. તેમાં ૨૫૦ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારેમાં વધારે ૨,૦૦૦ ની અંદર હોવી જોઈએ. મ્યુનિસિપાલિટીને બરતરફ કરી તે પહેલાં મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાડાદસ હજાર કરતાં વધારે કોઈ વખત થયેલી નહોતી. આ ધોરણે અત્યારે કમિટીની શાળાઓમાં ૧,૭૦૦ કરતાં ઓછી સંખ્યા હોવી જોઈએ. કેટલીક શાળાઓ તો તદ્દન ખાલી જ છે. કેટલીકમાં શિક્ષક જેટલા વિદ્યાર્થીઓ નથી. છતાં પ્રજાકીય શાળાઓને તોડવાની આશાથી દસ હજાર