પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત

પ્રાથમિક કેળવણી માટે સરકારની ગ્રાન્ટ લેવા ઇચ્છતા નથી અને અમારી પ્રાથમિક શાળાઓ સરકારના અંકુશ વિના ચલાવવા ઇચ્છીએ છીએ. માટે પ્રાથમિક કેળવણી માટે અમને અપાતી ગ્રાન્ટ સરકારે બંધ કરવી.”

આ ઠરાવ ૯ વિરુદ્ધ ૪ મતે પસાર થયો.

ખેડા જિલ્લાના કલેક્ટરે મ્યુનિસિપાલિટીની આર્થિક સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચી ઠરાવનો ફરી વિચાર કરવાની સલાહ આપી. મ્યુનિસિપલ બોર્ડે ઠરાવ કરીને જણાવ્યું કે, “પહેલો ઠરાવ બધી બાજુનો વિચાર કરીને જ અમે કર્યો છે, લોકોમાં ઉઘરાણાં કરીને નાણાંની ગોઠવણ કરી લેવાનું અમે વિચાર્યું છે અને અત્યારની સમગ્ર પરિસ્થિતિ જોઈને કૉંગ્રેસે જે આદેશ આપ્યો છે તેનો હરકોઈ ભોગે અમલ કરવાનો અમારે નિરધાર છે. કર ભરનારાઓની ઈચ્છાને અનુસરીને જ અમે આ પગલું ભર્યું છે.” કેળવણી ખાતા તરફથી પૂછવામાં આવ્યું કે, “અત્યારે જે શિક્ષકો મ્યુનિસિપાલિટીની નોકરીમાં છે તેમને તમે રાખવા ઈચ્છો છો કે કેમ ?” તેને જવાબ આપ્યો કે, “કેળવણી ખાતાથી સ્વતંત્ર રીતે જે શિક્ષકો પૂરેપૂરા મ્યુનિસિપાલિટીના નોકરો તરીકે રહેવા રાજી હોય તેમને અમે રાખવા ઈચ્છીએ છીએ.” આ બાબતની શિક્ષકો સાથે પણ ચોખવટ કરી અને જેમને સરકારી નોકરીમાં પાછા ફરવું હતું તેમને છૂટા કરી તેમની જગ્યાએ બીજા શિક્ષકોની ગોઠવણ કરી.

દરમિયાન ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે શાળાઓમાં પરીક્ષા લેવા માટે તથા નિરીક્ષણ માટે પોતાના ઇન્સ્પેક્ટરોને તેઓ અમુક અમુક તારીખે મોકલશે એમ જણાવ્યું. તેમને મ્યુનિસિપાલિટીએ જવાબ આપ્યો કે, અમે પરીક્ષાઓ તો સ્વતંત્ર રીતે લઈ લીધી છે અને અમે સરકારનો અંકુશ સ્વીકારવા ઈચ્છતા નથી, માટે પરીક્ષાઓ માટે કે નિરીક્ષણ માટે તમારે આવવું નહીં કે કોઈ ઈન્સ્પેક્ટરને મોકલવા નહીં વળી મ્યુનિસિપાલિટીની સ્કૂલ બોર્ડે શાળાઓનો અભ્યાસક્રમ પણ નવેસરથી રચ્યો અને બધી શાળાઓને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડવાનો ઠરાવ કર્યો. મ્યુનિસિપાલિટીમાંથી પાછા ફરેલા શિક્ષકોને નડિયાદમાં જ રાખવાનું વચન આપેલું હોઈ અને તેઓ વફાદારીનો બદલો માગતા હોઈ તેમને સરકાર ગામડે મોકલી શકી નહીં. એટલે કે વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા મોટી હતી અને તેમને પૂરું કામ આપી શકાય એમ નહોતું, છતાં બધા શિક્ષકોને નડિયાદમાં રોકી સરકારે પોતાને ખર્ચે જુદી શાળાઓ કાઢી. આમ સરકારે મ્યુનિસિપાલિટી સામે હરીફાઈ માંડી, પણ સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા બહુ જૂજ થઈ અને શિક્ષકો કામ વિનાના જેવા રહ્યા. એમની ખોટી સલાહથી કેળવણી ખાતાએ કલેક્ટરને જણાવ્યું કે, મ્યુનિસિપાલિટીની શાળાઓનાં ત્રણ મકાનો ઉપર સરકારનો હક ગણાય એમ છે. માટે એનો