પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
સરદાર વલ્લભભાઈ


દરમિયાન પેટાચૂંટણીનું જે નાટક ભજવાયું તેનું વર્ણન ૨૨–૧૦–’૨૨ના ‘નવજીવન’માં ‘નડિયાદનું સ્થાનિક સ્વરાજ્ય’ નામના એક લેખમાં સરદારે આપ્યું છે, તે એમના શબ્દમાં જ આપીશું :

“પ્રજાના ચૂંટાયેલા સત્તર સભાસદોએ રાજીનામાં આપ્યાં. . . તેમની જગાઓ પૂરવા માટે એક પેટાચૂંટણી કરવામાં આવી. તેમાં સત્તરમાંથી નવ જગા માટે તો કોઈ ઉમેદવાર જ ઊભો ન થયો. આઠ જગ્યાઓ પુરાઈ તેમાં મ્યુનિસિપાલિટીના એક માજી પટાવાળાને અને બે અંત્યજ ભાઈઓને વગર હરીફાઈએ જવાની તક મળી.
“ખાલી રહેલી નવ જગાઓ માટે ફરી ચૂંટણી ન કરતાં પ્રજાકીય પ્રધાન સાહેબના રાજ્યમાં એ જગ્યાએ નવ સહકારીઓને શોધી કાઢી તેમને નીમી દઈ ને એ જગ્યાઓ પૂરી. અમદાવાદ અને સુરત મ્યુનિસિપાલિટીઓને બરતરફ કરીને મેળવેલા અનુભવ ઉપરથી કંઈક ડહાપણ આવ્યું હતું એટલે નડિયાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરતાં ડર લાગ્યો, તેથી આ નવો રસ્તો શોધી કાઢ્યો. સરકારે નીમેલા નવ સહકારીઓમાં કેટલાક ચુસ્ત સનાતનીઓ અને અસ્પૃશ્યતાના હિમાયતીઓ છે. અસહકારની પ્રવૃત્તિથી આમ અનાયાસે અસ્પૃશ્યતા દૂર કરવાના નવા માર્ગ નીકળી આવે છે.
“મ્યુનિસિપાલિટીના પ્રમુખ આ નવ જગાઓ પૂરવાનો સરકારનો હક કબૂલ રાખતા નથી અને તેમની મારફત મ્યુનિસિપાલિટીનું કામ લેવા ના પાડે છે. આ જગાએ ચૂંટણીથી જ પુરાવી જોઈએ એવું તેમણે સરકારમાં લખાણ કર્યું છે. વળી કોઈ કર ભરનારાએ મ્યુનિસિપાલિટી સામે, આ નવ ગૃહસ્થો સામે દીવાની અદાલતમાં તેમને મ્યુનિસિપાલિટીના સભાસદો નહીં ગણવાને દાવો કર્યો છે, અને તેમની સામે કોર્ટે કામચલાઉ મનાઈહુકમ કાઢ્યો છે. એટલે હાલ તો મ્યુનિસિપાલિટીનું કામ પાછું અટકી પડ્યું છે.
“આમ સ્થાનિક સ્વરાજ્યના રોજ કંઈક ને કંઈક નવા ભવાડા થાય છે અને સુધારાનું અને સરકારનું પોકળ ઉઘાડું પડતું જાય છે.”

અમદાવાદ અને સુરતની માફક નડિયાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં નહોતી આવી, પણ પ્રજા તરફથી ચૂંટાયેલા સત્તર સભ્યો મ્યુનિસિપાલિટીમાંથી નીકળી ગયા અને તેમની જગ્યાએ પ્રજાને નાપસંદ એવા ગમે તેવા માણસોને ગોઠવી દેવામાં આવ્યા તથા પ્રમુખ તરીકે સરકારે નડિયાદના મામલતદારની નિમણૂક કરી ત્યારથી વ્યવહારમાં તો નડિયાદ મ્યુનિસિપાલિટીની દશા બરતરફ થયેલી મ્યુનિસિપાલિટી જેવી જ થઈ હતી.

પછી સરદારની સલાહથી પ્રજાએ મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની લડત શરૂ કરી. સુરતના શહેરીઓએ પણ આવા જ સંજોગોમાં ત્યાંની મ્યુનિસિપાલિટીને કર નહીં ભરવાની લડત ઉપાડી. ૧૯૨૩ના એપ્રિલમાં