પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
ગાંધીજીની ગિરફતારી પછી


વાત નીકળી ત્યારથી કૉંગ્રેસમાં ખેંચાખેંચી ચાલતી જ હતી, પણ હવે તો ખુલ્લંખુલ્લા બે પક્ષ પડી ગયા. લોકભાષામાં ધારાસભાવાદીઓ ‘ફેરવાદી’ કહેવાતા અને રચનાત્મક કાર્યક્રમને જ વળગી રહેનારા ‘નાફેરવાદી’ કહેવાતા. તેમના મુખ્ય આગેવાનો રાજાજી, ડૉ. અનસારી, રાજેન્દ્રબાબુ, શેઠ જમનાલાલજી તથા સરદાર હતા. કૉંગ્રેસમાં આ જાતના પક્ષો પડવાથી લોકોમાં બુદ્ધિભેદ થવા માંડ્યો અને કામમાં મંદતા આવવા લાગી. હજી ઘણા આગેવાનો અને કાયકર્તાઓ જેલમાં હતા અને પક્ષ પડ્યાની વાતો સાંભળી તેઓ દુઃખી થતા. જે આગેવાન છૂટીને બહાર આવતા તે બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરતા. ગયા કૉંગ્રેસ પછી થોડા જ વખતમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને બીજા કેટલાક નેતાઓ છૂટીને આવ્યા. તેમના સમાધાનના પ્રયાસને પરિણામે ૧૯૨૩ના ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અલ્લાહાબાદમાં કૉંગ્રેસ કારોબારી તથા મહાસમિતિની બેઠક થઈ. દાસબાબુએ રાજીનામું આપેલું હોવા છતાં કૉંગ્રેસે બીજા પ્રમુખની નિમણૂક નહોતી કરી એટલે સભાનું પ્રમુખસ્થાન દાસબાબુને જ આપવામાં આવ્યું. તેમાં સમાધાનીનો ઠરાવ થયો કે, ૩૦મી એપ્રિલ સુધી બંને પક્ષ ધારાસભાના પ્રશ્ન ઉપર મૌન સેવે; રચનાત્મક કામ, સ્વયંસેવકોની ભરતી અને સ્વરાજ ફાળો, એ કામમાં નવો સ્વરાજ પક્ષ જૂના પક્ષને મદદ કરે; અને ૩૦મી એપ્રિલ પછી બંને પક્ષ પોતપોતાને જેમ ફાવે તેમ કરે. આ સમાધાનની પાછળ ભાવ એ હતો કે નાફેરવાદીઓએ પોતાનો સવિનય ભંગની તૈયારીઓનો કાર્યક્રમ ૩૦મી એપ્રિલ પહેલાં પૂરા કરવાનો હતો; એટલા વખતમાં તેઓ દેશને સવિનય ભંગ માટે તૈયાર કરી શકે તો ધારાસભાઓમાં જવાનો સવાલ જ ન રહે. પંડિત મોતીલાલજીએ સ્પષ્ટ જણાવ્યું કે ઈશ્વર કરે ને બે મહિના પછી જ્યારે આપણે ફરી વિચાર કરવા ભેગા મળીએ ત્યારે દેશમાં એવી સ્થિતિ ઉત્પન્ન થયેલી હોય કે આપણે ફરી કશું વિચારવાનું જ ન રહે. પણ સવિનય ભંગની તૈયારીવાળો કાર્યક્રમ ૩૦મી એપ્રિલ પહેલાં પૂરો ન થઈ શક્યો. સ્વરાજ ફાળામાં પચીસ લાખને બદલે પંદર લાખ રૂપિયા એકઠા થયા અને સ્વયંસેવકોની સંખ્યા પચાસ હજારને બદલે આઠ હજાર જ થઈ. એટલે સ્વરાજ પક્ષે પોતાનો કાર્યક્રમ કૉંગ્રેસ પાસે સ્વીકારાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

ફરી પાછા બેઉ પક્ષો પોતપોતાના મતનો પ્રચાર શરૂ કરશે એટલે ઝેર અને વિખવાદ ફેલાશે એવો ભય રાખવાનું કોઈ કારણ નથી, એવું લોકોને સમજાવવા સરદારે ‘ઠાલો ભય’ નામનો લેખ નવજીવન માં લખ્યો. તેમાં જણાવ્યું :