પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
સરદાર વલ્લભભાઈ


“અલ્લાહાબાદમાં કૉંગ્રેસના બંને પક્ષ વચ્ચે થયેલી સમાધાનીની મુદત આવતી કાલે પૂરી થશે. કાલથી બંને પક્ષ પાછા પોત પાતાના મતનો ખુલ્લો પ્રચાર કરતા થઈ જશે. કાયમનું સમાધાન અશક્ય હોવાનું તે સમાધાનના સ્વરૂપ ઉપરથી જ માલુમ પડતું હતું. મતભેદ બહુ ઊંડા છે. બેમાંથી એક પક્ષ પોતાનો પ્રામાણિક મત છોડી દઈ બીજા પક્ષને મળી જાય તો જ કાયમની એકતા થઈ શકે. પણ એવી એકતાથી નુકસાન જ થાય. બંને પક્ષ પાતપોતાની પ્રામાણિક માન્યતા ઉપર મક્કમ રહીને કામ કરે એમાં જ આખરે દેશને લાભ છે. એથી જ પ્રજા ઘડાશે.
“ધારાસભા બહિષ્કારનો પ્રચાર કરવાથી, અગર તો તેને અમલમાં મુકવાને જે ઉપાયો લેવામાં આવે તેથી, કૉંગ્રેસના ધારાસભામાં જનારા પક્ષ સામે અપ્રીતિ થશે એમ માનવાને કાંઈ કારણ નથી. જ્યાં પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે તથા મિત્ર મિત્ર વચ્ચે મતભેદ હોય ત્યાં એવો ડર રાખવાનું કંઈ કારણ જ ન હોય. છતાં એવું પરિણામ ન આવે તેને માટે જેટલી સાવચેતી રાખવી જોઈએ તેટલી બેઉ પક્ષ રાખશે એ વિષે મને કોઈ શંકા નથી.
“પણ ધારાસભાના બહિષ્કાર વિષે તો કૉંગ્રેસનો ઠરાવ અમલમાં મૂકવાને આપણે જલદ ઉપાયો લેવાની જરૂર જ ન પડે એ સંભવ છે. સરકારે જ આપણું કામ સરળ કરી આપ્યું છે. મીઠા ઉપરનો કર વધારવામાં સરકારે જે રીતે કામ લીધું છે તે જોતાં ધારાસભાની નિષ્ફળતા વિષે હવે લોકોને થોડી જ શંકા રહી છે. ધારાસભાના સભાસદોએ વિરુદ્ધ મત આપ્યા. મતથી તો સરકારને હરાવી. બે વખત હરાવી. તોપણ વાઈસરૉય સાહેબે બહુમતીને ઠોકરે મારી. હવે ધારાસભાના સભાસદો ધારાસભાને છોડે એવી સૌ ઇચ્છા રાખે છે. તો આપણે ત્યાં જઈને પછી છોડવા કરતાં પહેલેથી જ કેમ ન છોડીએ ? આપણે ત્યાં જઈ ને બહુમતીથી સરકારને હરાવીએ એ સિવાય બીજું શું કરી શકવાના હતા ? હાલની ધારાસભાએ પણ એ તો ઘણી વખત કરી બતાવ્યું છે, છતાં જ્યારે જ્યારે સરકારને યોગ્ય લાગ્યું ત્યારે તેણે એમના મતની દરકાર નથી કરી. આવી સ્થિતિમાં ધારાસભાની નિષ્ફળતા વિષે મતદારોને સમજાવવાને ભારે ચળવળ કરવાની ભાગ્યે જ જરૂર પડે. એટલે ઝેર કે વિખવાદ થવાનો સંભવ નથી.”

પછી મુંબઈમાં તા. રપમી મેએ મહાસમિતિની બેઠક થઈ. તે વખતે જવાહરલાલજી છૂટીને બહાર આવ્યા હતા. તેમનું વલણ નાફેરવાદી હતું છતાં બે પક્ષ વચ્ચે સમાધાની થાય એમ તેઓ ઇચ્છતા હતા. નાફેરવાદીઓમાંથી ડૉ. અનસારી અને શ્રીમતી સરોજિની નાયડુ પણ સમાધાનીની તરફેણમાં હતાં. કેટલીક પ્રાંતિક સમિતિઓનો પણ અભિપ્રાય હતો કે સમાધાની થઈ જાય તો સારું. એટલે શ્રી પુરુષોત્તમદાસ ટંડન ઠરાવ લાવ્યા અને જવાહરલાલજીએ તેને ટેકો આપ્યો કે, ‘ગયા કૉંગ્રેસના ફરમાન મુજબ ચૂંટણીઓની વિરુદ્ધ પ્રચાર કરવાનું બંધ કરવું. કૉંગ્રેસના અધિવેશનમાં પાસ થયેલા ઠરાવને ઉથલાવી પાડનારો ઠરાવ