પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


વિદ્યાભ્યાસ

સરદાર ખેડૂત કુટુંબમાં જન્મેલા હોઈ ઘરમાં વિદ્યાવ્યાસંગનું કશું વાતાવરણ હતું જ નહીં. પોતાની જન્મતિથિની પણ એમને ખબર નથી. માતુશ્રીને કદાચ તિથિ ખબર હશે પણ તેય સાલ કે તારીખ જાણતાં નહીં. અત્યારે ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫, એમની જન્મતારીખ ગણાય છે તે મૅટ્રિકના એમના સર્ટિફિકેટમાંથી મળેલી છે. એ ખરી છે કે ખોટી તેની બહુ ખાતરી તો નથી. સરદાર તો હસતાં હસતાં કહે છે કે મનમાં આવ્યા પ્રમાણે પરીક્ષાના મંડપમાં મેં ભરી દીધી હશે. ૧૯૩૭ની ચૂંટણી, જેમાં કૉંગ્રેસે પૂરેપૂરો ભાગ લીધેલો, તે વખતે જન્મતારીખની જરૂર પડી. સરદારને યાદ નહોતી. શ્રી મુનશી તે વખતે હાજર હતા. તેમણે એક રૂપિયો ભરીને તેમનું મૅટ્રિકનું સર્ટિફિકેટ કઢાવ્યું અને તેમાંથી જન્મતારીખ લીધી. પ્રાથમિક નિશાળમાં ભણતા ત્યારે ભણવાની ચોપડીઓ કરતાં આસપાસનાં ખેતરોનું અને ગામડાંઓનું એમને વધારે જ્ઞાન હશે. છતાં સરદાર કહે છે કે, “મારા પિતાને મને ભણાવવાનો શોખ બહુ. રોજ સવારના પહોરમાં ખેતરે લઈ જાય, ખેતરમાં કામ કરવા નહીં, પણ આવતાં જતાં રસ્તે પાડા બોલાવવા અને પલાખાં ગોખાવવા.” સરદાર સત્તર અરાઢ વર્ષના થયા ત્યાં સુધી કરમસદમાં જ રહેલા છે એટલે ખેતરમાં કામ કરવાનું તો આવેલું જ. સરદાર કહે છે કે, “અમે બધા ભાઈઓએ ખેતરમાં કામ કરેલું, એકલા વિઠ્ઠલભાઈ એ કદાચ નહીંં કર્યું હોય, કારણ પહેલી અંગ્રેજીથી જ તેઓ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળમાં રહેલા.” સરદારે ગુજરાતી સાત ચોપડીનું ભણતર કરમસદમાં જ પૂરું કર્યું. તે સમયનાં બીજાં કશાં સંસ્મરણો તેઓ પાસેથી મળતાં નથી. પણું એક બહુ મહત્ત્વની વાત તેઓ કહે છે. બાળપણના તેમના એક શિક્ષક એવા હતા જેમને કશું પૂછવા જઈએ તો ગાળ દઈ ને કહેતા : “મને શું પૂછો છો ? માંય માંય ભણો.” અને આ સૂત્ર એમના જીવનની જાણે ગુરુકિલ્લી છે. પોતાનું બધું ભણતર તેમણે ‘માંય માંય ભણીને’ જ કરેલું. એમાં કોઈ શિક્ષકનો કશો ફાળો હોય એમ જણાતું નથી. અને ગાંધીજી શિક્ષક મળ્યા ત્યાં સુધીનું પોતાના જીવનનું ઘડતર પણ એમણે આપમેળે જ કોઈની મદદ કે ઓથ વિના કરેલું છે. ગાંધીજીને શિક્ષક તરીકે સ્વીકાર્યા તે પણ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખીને.

૧૦