પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
સરદાર વલ્લભભાઈ


મસ્તીમાં ન્યાયનો વિચાર નહોતા કરી શકતા, નહીં તો સરકારી યાદીમાં આવી દલીલ કરવાનું તેના લેખકને સુઝે ખરું કે, “સ્વરાજ્યનો ધ્વજ જોઈને કેટલાક રાજનિષ્ઠ લોકો ઉશ્કેરાઈ જવાનો સંભવ છે અને તેથી શાંતિ ભંગ થઈ બેસે એવો સરકારને ભય રહે છે ?” આ વાક્યમાં રહેલા ધ્વનિને સ્પષ્ટ કરીએ તો આ અર્થ થાય કે સિવિલ લાઈન્સ — સભ્ય વસ્તીમાં રહેનારા કેટલાક ફરેલા માથાના રાજનિષ્ઠ ગોરા લોકોનો પિત્તો ખસી જાય અને તે સ્વરાજ્યના ધ્વજવાળા સ્વયંસેવક પર હુમલો કરી બેસે અને શાંતિનો ભંગ થાય એ અટકાવવા સરકારને આ વિસ્તારમાં સરઘસબંધી અને સભાબંધીના હુકમો કાઢવા પડ્યા છે. વળી વધારે સ્પષ્ટતા કરીએ તો એ અર્થ થાય કે આવા બે પાંચ માથાભારે ગોરા લોકોને રોકવાની સરકારની તાકાત નથી, તેથી અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા એવા સેંકડો સ્વયંસેવકોને તે રોકવા માગે છે અને ન રોકાય તો મારઝૂડ કરવા અથવા જેલમાં પૂરવા તૈયાર છે. સરકારી યાદીમાંની એક વસ્તુ હજી નોંધવા જેવી છે. સ્વરાજ્યના ધ્વજ સામે સરકારને હરકત નથી એ શબ્દોથી શરૂ થતા ખુલાસામાં આગળ તો એવું આવે છે કે, “કોઈ મ્યુનિસિપલ કમિટી અથવા લોકલબોર્ડ પોતાના મકાન ઉપર સ્વરાજયનો ધ્વજ ચડાવવાનો ઠરાવ કરશે તો સરકાર એવું કૃત્ય સાંખી લેવાની નથી. આ ચેતવણી છતાં કોઈ સંસ્થા એવી હઠ પકડશે તો સરકાર પોતાની ગ્રાંટ બંધ કરીને પોતાની નાપસંદગી દર્શાવશે તથા પોતાને જરૂરી લાગે તેવાં બીજાં શિસ્તનાં પગલાં લેશે.” આ બધા ઉપરથી એટલું ચોખ્ખું દેખાય છે કે નાગપુરનો ઝંડા સત્યાગ્રહ એ એક તરફથી પોતાનો સાદો મૂળભૂત હક સ્થાપિત કરવાના લોકપ્રયત્નનો અને સામી બાજુથી તેને કચડી નાખવાના ગોરા તુમાખી અમલદારોના ઝનૂનનો દેવાસુર સંગ્રામ હતો.

અમુક ચોક્કસ મુદ્દા ઉપર મર્યાદિત માગણી માટેનો સરદારને જે જોઈતો હતો તેવો આ સત્યાગ્રહ હતો. એટલે ગુજરાત પ્રાંતિક સમિતિમાં તેમણે ઠરાવ કરાવ્યો કે નાગપુર મોકલવા માટે સૈનિકો તૈયાર રાખવા. તરત ખેડા જિલ્લાએ તે ૭૫ સૈનિકોની ટુકડી શ્રી મોહનલાલ પંડ્યાની સરદારી નીચે નાગપુર મોકલવા તૈયાર કરી દીધી. બીજા જિલ્લાઓ પણ તૈયારીમાં લાગી ગયા. તામિલ પ્રાંતે અને બિહારે પણ એવા જ ઠરાવો કર્યા. તા. રપમીએ મુંબઈમાં મહાસમિતિની બેઠક થઈ તેમાં રાષ્ટ્રધ્વજની રક્ષા અર્થે નાગપુરમાં આદરેલા સત્યાગ્રહ માટે મધ્ય પ્રાંતના સ્વયંસેવકોને અભિનંદન આપનારો અને આખા હિંદુસ્તાનના તમામ સ્વયંસેવકોને બોલાવવામાં આવે કે તરત લડતમાં જોડાવાને સજ્જ રહેવાની સૂચના આપનાર ઠરાવ પસાર કરવામાં આવ્યો. મહાસમિતિની બેઠક પૂરી થયા પછી તરત રાજાજી, સરદાર અને બીજા કેટલાક