પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
નાગપુર ઝંડા સત્યાગ્રહ


સરદારને એકલે હાથે કામ લેવું પડ્યું. સ્થાનિક કાર્યવાહકો બધા જેલમાં હતા. અને નાગપુરમાં સ્વરાજ પક્ષનું જોર વધારે હતું. એ લોકો બધા જ આ લડતની વિરુદ્ધ હોવાથી નાગપુરની બહારથી જ બધી મદદ મેળવી સત્યાગ્રહ ચલાવવો પડ્યો. ગુજરાત બહાર કામ કરવા જવાનો તેમનો આ પહેલો જ પ્રસંગ હતો. જતાં પહેલાં ગુજરાતીઓ આગળ ‘ભિક્ષાં દેહિ’ કહેતાં જણાવ્યું કે,

“ગુજરાતનો વિયોગ કેટલા કાળને માટે થશે એ તો પ્રભુ જાણે. બીજા પ્રાંતની સેવા કરવાની મને તક મળશે એ સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. ગુજરાતની મને ચિંતા નથી. પરંતુ મધ્ય પ્રાતમાં જઈ ને હું શું કરી શકીશ તેની મને ભારે મૂંઝવણ થાય છે. . . . આપણને સૈનિકોની ખોટ નહીં પડે. દરેક પ્રાંત સંખ્યાબંધ સૈનિક મોકલવા રાજી છે. પણ ત્યાંથી સૈનિકોને નાગપુર લાવવામાં લાખો રૂપિયા જોઈએ.”

એમ કહી મારવાડીઓને અને ગુજરાતીઓને લડતમાં નાણાંની ભીડ જરા પણ ન પડવા દેવા તેમણે અપીલ કરી અને તેમની પાસેથી નાણાં ઉઘરાવવાનું કામ ભાઈ મણિલાલ કોઠારીને સોંપ્યું. નાગપુર પહોંચી બધી પરિસ્થિતિ તપાસી લીધી અને કામ વ્યવસ્થિત ગોઠવી દીધું. તે સંબંધમાં ત્યાંથી એક કાગળમાં લખ્યું છે :

“અહીં આવીને દરેક પ્રાંત માટે સ્વયંસેવકો મોકલવાની સંખ્યા અને તારીખો ગાઠવી તે તે પ્રાંતોને ખબર આપી દીધી છે. તે પ્રમાણે સ્વયંસેવકો આવતા રહેશે તો રોજ ઓછામાં ઓછા પચાસ સૈનિકો સ્ટેશન પર પકડાશે. ચાર પાંચ દિવસ રાહ જોઈ આ ક્રમમાં કોઈ ફેરફાર કરવા યોગ્ય લાગશે તે કરશું.”

પછી થોડા જ દિવસમાં શ્રી વિઠ્ઠલભાઈ પણ નાગપુર પહોંચી ગયા. એ વખતે નાગપુરમાં ધારાસભાની બેઠક થવાની હતી. ધારાસભા મારફત આ લડતને ટેકો મળે એ માટે સ્વરાજ પક્ષના પોતાના સાથીઓને મદદ કરવાના હેતુથી તેઓ નાગપુર આવેલા.

સુરતથી ડો. ઘિયાની સરદારી નીચે ગયેલી ટુકડી પકડાયા પછી ડૉ. કાનુગા અમદાવાદની એક ટુકડી લઈને જવા તૈયાર થયા અને પૂ. કસ્તૂરબા બહેનોની ટુકડી લઈને જવા તૈયાર થયાં. તા. ૧૮મી ઑગસ્ટે કારાવાસ દિને મોટો કાર્યક્રમ રાખવાનો હતો, તે દિવસે તમારે નાગપુર પહોંચવું, એવો વાયદો તેમને આપ્યો.

આ અરસામાં નાગપુરથી મહાદેવભાઈ ઉપર લખેલા એક કાગળમાં આખી પરિસ્થિતિનું સરદારે આબેહૂબ ચિત્ર આપ્યું છેઃ

“. . . લડત બહુ જ સુંદર છે. જો પ્રજા એકમત થઈ શકે તો એક અઠવાડિયામાં સરકારનો નાકમાં દમ લાવી શકાય. પણ હમણાં તો છત્રીસ