પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
નાગપુર ઝંડા સત્યાગ્રહ


“પૂ. બાને કહેજો કે જેલની તૈયારી કરે. ગુજરાતની બહેનોને આવતી અઢારમીએ નાગપુર આવવાની એક અપીલ બહાર પાડી શકાય તો બાની સહીથી બહાર પાડો.
“સત્તરમીએ હુકમની મુદત પૂરી થાય છે. એ જો પાછા લંબાવે તો અઢારમીએ સ્ત્રીઓનું બલિદાન શરૂ કરવું જોઈએ. દેશને જાગ્રત કરવાનો એ સરસ રસ્તો છે. આપણે તો સરકાર હુકમ લંબાવશે એમ જ માનવું જોઈએ. ન લંબાવે તો કેદીઓને શું મોઢું લઈ જેલમાં રાખી શકૈ ?
“આશ્રમમાં સૌને યાદ કરજો. પૂ. બાને પ્રણામ કહેશો.”

નાગપુરમાં એક દિવસ છૂટીને આવેલા કેટલાક કેદીઓના માનમાં સભા થઈ છૂટનારાઓએ બહુ રોષથી ભરેલાં તીખાં ભાષણ કર્યા. સરદાર સભામાં હાજર હતા. આ લડત વિનયપૂર્વક ચાલે એ સંભાળવા તો તેઓ ત્યાં હતા. પેલા ભાઈને અને તેમને નિમિત્તે આખી સભાને આપણી લડતના સિદ્ધાંતો સાફ સાફ સમજાવવાની સરદારે તક લીધી :

“આજે જેલમાંથી સજા ભોગવી આવેલા ભાઈઓએ આપણને કેટલીક વાતો કહી. એમના દિલમાં ભારે રોષ ભરલો છે, જેલમાં આપવામાં આવતાં કષ્ટો તેમણે સભ્યતા છોડીને આપણી આગળ કહ્યાં. અંદર જે અમાનુષી વર્તન ચાલી રહ્યું છે તેનું વર્ણન તેમણે બહુ આવેશમાં આવીને કર્યું.
“પણ આપણે આવું બોલીએ તો સરકારી નોકરીને મુકાબલે આપણે શા સારા ? એ તો નોકરીમાં છે, આપણે સ્વતંત્ર છીએ. એ લોકોનો વિચાર કરવાને બદલે આપણે શું કર્યું તેનો વિચાર કરો. આપણે તેમને ગાળો દઈએ, તેમના દોષ જોઈએ, તે પહેલાં આપણે આપણો પોતાનો વિચાર કરી લેવો જોઈએ. આપણે લાયકાત મેળવી કર્તવ્યપરાયણ થવું એ જ આપણો ધર્મ છે.
“જેલમાંથી છૂટી આવેલા ભાઈઓને મારી સલાહ છે કે તેમણે પ્રજાને પ્રેમ અને ધર્મના પાઠ સમજાવવા. એ જ તમારું પરમ કર્તવ્ય છે. પરમાત્મા તમને આવાં સત્ય અને ધર્મનાં યુદ્ધો લડવાનું આપે.”

ઑગસ્ટના આરંભમાં મધ્ય પ્રાંતની ધારાસભાની બેઠક થઈ. તેમાં આ લડત વિષે ગવર્નર સાહેબે પોતાના પ્રારંભિક ભાષણમાં કહ્યું :

“જે લોકો સરકાર સાથે કોઈ પણ જાતનો સહકાર ન કરવાની ગાંઠ વાળી બેઠા છે તેવા લોકો તરફથી કાયદાભંગ ચાલી રહ્યો છે. . . . મારા જાણવા પ્રમાણે એકે સુધરેલો દેશ એવો નથી, જ્યાં સરઘસો લઈ જવાનો નિરંકુશ હક લોકોને હોય. જિલ્લા મૅજિસ્ટ્રેટે નાગપુરના મનાઈ કરેલા વિસ્તારમાં કોઈ પણ સરઘસને માટે પ્રતિબંધ કર્યો નથી, પોતાની રજા વિનાનાં સરઘસનો પ્રતિબંધ કર્યો છે. તે એટલા જ હેતુથી કે તેથી લોકોના કોઈ પણ વર્ગની હેરાનગતિ ન થાય. આ હિલચાલને લીધે અવળે રસ્તે