પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
સરદાર વલ્લભભાઈ

એવું મધ્ય પ્રાંતના સરકારી સભ્યે કહેલું છે તેનો ભારપૂર્વક ઇનકાર કરવાનું પણ મને કારોબારી સમિતિનું ફરમાન છે.”

આ નિવેદન પ્રસિદ્ધ થવાથી ગવર્નરના ધારાસભાના ભાષણમાં સત્યાગ્રહની લડતના સંચાલકોની સામે જે ખોટા આરોપ મૂકવામાં આવ્યા હતા તે બધાનું પોકળ જાહેર થઈ ગયું અને સરકારી મંડળમાં ખળભળાટ થયો. બીજે દિવસે નવો મનાઈ હુકમ કાઢવાનો હતો તે ન કાઢવામાં આવે તો સરકારની હાર થાય, અને જો કાઢવામાં આવે તો લડત વધારે જોસથી ચાલે અને તેનો બોજો સરકાર ઉપર પડે એવી સ્થિતિ ઊભી થઈ. એટલે તા. ૧૬મીએ સાંજે જ ગૃહમંત્રી સરદારને મળ્યા અને સમાધાનની વાતો કરી. તેમણે સૂચવ્યું કે તા. ૧૮મીનું સરઘસ સિવિલ લાઈન્સમાંથી પસાર થવા દેવામાં આવે તો તમારે લડત બંધ કરવી. સરદારે કહ્યું કે એકલું સરઘસ પસાર થાય તેથી લડત બંધ થાય નહીં. લડતમાં જેટલા કેદીઓને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને છોડી મૂકવાની ખાતરી મળવી જોઈએ અને સરઘસ પસાર થયા પછી લડત બંધ કરવાનું જાહેર કરવામાં આવે પછી તરત જ કેદીઓ છૂટી જવા જોઈએ. આ બધી શરતો ગૃહમંત્રીને કબૂલ હતી અને સામસામે ખાનગી લખાણ થતા પહેલાં તેઓ ગવર્નરની સંમતિ લઈ આવ્યા. પછી તેમણે મધ્ય પ્રાંતની સરકાર તરફથી આ પ્રકારની શરતોનું પાલન કરવાની સરદારને લેખી ખાતરી આપી. આ સમજૂતી થઈ ગયા પછી ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈને છેવટના મળી લેવાની ઈચ્છા બતાવી. વિઠ્ઠલભાઈ તે જ દિવસે મેલમાં મુંબઈ જવા ઊપડવાની તૈયારીમાં હતા ત્યાં ગૃહમંત્રી તેમને મળ્યા અને સમાધાનીની બધી વિગતો તેમને જણાવી. સાથે સાથે બેઉ પક્ષ વચ્ચે એ પણ સમજૂતી કરવામાં આવી કે સમાધાનનો પૂરો અમલ થઈ જતાં સુધી બેઉ પક્ષમાંથી કોઈ એ છાપાંમાં કશી વાત બહાર પાડવી નહીં. આમ સમાધાન થયું એટલે સરદારે તાર કરીને બહારથી આવતા સૈનિકોને રોક્યા. ડૉ. કાનુગાને તથા કસ્તૂરબાને પણ થોભી જવાના તાર કરી દીધા.

તા. ૧૭મીએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના ૧૪૪ કલમ નીચેના મનાઈ હુકમની મુદત પૂરી થઈ અને સમજૂતીની રૂએ તે હુકમ ફરી ચાલુ ન કર્યો. પણ એને બદલે પોલીસ ઍક્ટની રૂએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો એક હુકમ નીકળ્યો કે સિવિલ લાઈન્સમાંથી તેની રજા વિના કોઈ સરઘસ કાઢવું નહીં. આ હુકમ જોઈ સરદારને આશ્ચર્ય થયું. તેમને વિચાર આવ્યો કે બાજી બદલાઈ હશે કે શું ? સરકાર નમતું આપવાને તૈયાર નહીં હોય ? સરઘસ માટે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની પરવાનગી આપણે નહોતા માગતા તો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પરવાનગી માગવાની તો શાની જ હોય ? સરદારે વિચાર્યું કે આખી પરિસ્થિતિ