પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
નાગપુર ઝંડા સત્યાગ્રહ


વાંધો નહોતો. પણ પેલા સરકારી ઠરાવમાં, બનેલી બીનાઓને વિકૃત રૂપ આપી નીચે પ્રમાણે રજૂ કરવામાં આવી હતી :

“ ૧. નામદાર ગવર્નર સાથેની તા. ૧૩મી ઑગસ્ટની મુલાકાતમાં પટેલ બંધુઓ ગવર્નરના આમંત્રણથી મળવા ગયા હતા તે વાત ખોટી છે.
“ ૨. ત્યાર બાદ હોમ મેમ્બર સાથે થયેલી મુલાકાતમાં હોમ મેમ્બરે શ્રી વલ્લભભાઈ પટેલને સ્પષ્ટ કહેલું કે અમુક અમુક શરતોએ જ મનાઈ કરેલા વિસ્તારમાં સરઘસ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને તે માટે તમારે સ્થાનિક અધિકારીને અરજી કરવી પડશે. તે શરતો કબૂલ કરીને શ્રી વલ્લભભાઈ પટેલે અરજી કરી એટલે તેમને સરઘસ લઈ જવા દેવામાં આવ્યું.
“ 3. ૧૮ મી ઑગસ્ટના સરઘસને જે શરતોએ જવા દેવામાં આવ્યું તેની વિરુદ્ધ જઈને છૂટેલા કેદીઓ નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ નહીં લેશે એવી કબૂલાત આપવાથી સરકારે રહેમ બતાવી કેદીઓને છોડી મૂક્યા. એ કેદીઓમાં બહુ મોટા ભાગના તો ચળવળ વિષે કશું સમજતા નહીં એવા ખોટે રસ્તે દોરવાયેલા જુવાનિયાઓ હતા.”

નાગપુરના પેલા કમિશનરની પીઠ થાબડવામાં ન આવે અને વર્તમાનપત્રો બાબતમાં એણે સરકારી નોકરના અધિકાર બહારની રમેલી મેલી રમતનો બચાવ ન કરવામાં આવે તો એ શેનો જંપે એટલે ઠરાવમાં તેને વિષે લખવામાં આવ્યું :

“નાગપુરના કમિશનર મિ. ક્લાર્કની સારી દોરવણી નીચે બધા અમલદારોએ પોતાનાં જવાબદારીવાળાં વધારાનાં કામોને બોજો કસોટીના સમયમાં બહુ બાહોશીથી ઉઠાવ્યો છે તેની સરકાર ભારે કદર કરે છે. નાગપુરના કમિશનરને તો આ ચળવળને અંગે પ્રકાશનનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.”

એ તેમણે કેવી રીતે બજાવ્યું હતું એ તો સરદારે પોતાના નિવેદનમાં બરાબર ઉઘાડું પાડ્યું છે. છતાં ભલે તેની પીઠ થાબડી એની સાથે આપણે નિસ્બત નથી. સરદારે ઠરાવમાં કરેલા બીજા આક્ષેપનો સચોટ જવાબ વાળ્યો અને એ રીતે આ લડતની કેટલીક બાબતો અંધારામાં રહી જાય તે પ્રકાશમાં આવી. તેમના જવાબના મુદ્દા નીચે ટૂંકમાં આપ્યા છે :

“શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને હોમ મેમ્બરે તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું છે તે સાચું છે કે બેમાંથી એક્કે પક્ષે એક્કે મુલાકાતનો કશો જ અહેવાલ પ્રસિદ્ધ કરવાનો નહોતો. પણ મધ્ય પ્રાંતની સરકારે મને એ બંધનમાંથી હવે મુક્ત કર્યો છે. નીચે જે હકીકતો આપું છું તેમાંથી એકનો પણ સરકાર ઇનકાર કરશે તો હું આખો પત્રવ્યવહાર પ્રગટ કરીશ, એટલું જ નહીં, પણ મુલાકાતનો મને યાદ રહ્યો હશે એટલો બધો અહેવાલ પણ