પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
સરદાર વલ્લભભાઈ


એક બારૈયો દેવાદાર સ્થિતિમાં ગુજરી ગયો. તેના જુવાન છોકરા પાસે શાહુકાર ઉઘરાણી કરે ત્યારે પેલો છોકરો કહે કે મારા બાપનું દેવું છે તે મારે દૂધે ધોઈને આપવું છે. મજૂરી કરી તેમાંથી થોડુંઘણું બચાવીને દેવા પેટે કંઈક કંઈક આપતો પણ ખરો. પછી એનાં લગ્ન થયાં. તે વખતે જૂના શાહુકારે એને પૈસા ન ધીર્યા એટલે લગ્ન માટે એણે બીજા શાહુકારનું કરજ કર્યું. જૂના શાહુકારે વિચાર્યુ કે આણે નવો શાહુકાર કર્યો અને હવે મારા પૈસા ભરવાનો નહીં. એટલે એણે દાવો કરીને હુકમનામું મેળવ્યું. પેલો પરણીને વહુ લઈને ઘેર આવ્યો તે વખતે જ એને ઘેર હુકમનામાની જપ્તી લઈને તે આવ્યો, એવી આશાથી કે આ વખતે એના ઘરમાં ઘરેણું ગાંઠું કંઈક હશે, તે લેવાનો સારો લાગ મળશે. ઘર પર ટાંચ લગાવી વાણિયો બેલિફની સાથે અંદર પેઠો. સામે વળગણી ઉપર એક સરસ ભાતવાળી રેશમી ઓઢણી અને રેશમી ચણિયો લટકતાં હતાં તે વાણિયાએ જોયાં અને એની દાઢ સળકી. પેલા જુવાન બારૈયાએ આ લૂગડાં ખાસ શોખથી વહુ માટે લીધાં હતાં. વાણિયાની આંખ જોઈ બારૈયો સમજી ગયો કે એની દાનત પેલાં લૂગડાં પર છે. એણે વાણિયાને ચેતવ્યું કે શેઠ, ઘરમાંથી બધું ઉસરડીને લઈ જાઓ પણ આ લૂગડાંને જો હાથ અડાડ્યો છે તો તે ઘડીએ કાં તો તમે નહીં કાં તો હું નહીં, જોયા જેવી થશે. વાણિયો જપ્તી કરવા માટે બેલિફ અને ચાર પાંચ માણસ લઈને આવેલો અને આ તો એકલો હતો. એટલે રોફમાં બોલ્યો કે, લેવા આવ્યો છું તે શું એમ ને એમ પાછો જઈશ ? એમ કહી તે ચણિયો લેવા ગયો અને તેની સાથે જ ઘરમાં એક ખૂણામાં ધારિયું પડ્યું હતું તે ઉઠાવીને પેલાએ વાણિયાનું ડોકું ટચકાવી નાખ્યું. જપ્તી કરવા વાણિયાની સાથે બીજા માણસો આવ્યા હતા તેમાંથી કોની મગદૂર કે વીફરેલા અને ધારિયા સાથે ઊછળેલા આ જુવાન ઠાકોર ભાયડાની સામે ઉભા રહે ? તેઓ બધા આઘાપાછા થઈ ગયા. અને ધારિયા સાથે બારૈયો નાઠો તે ભરાયો મહી નદીનાં કોતરોમાં. એ બન્યો બહારવટિયો. આ કાંઠાનો પ્રદેશ પહાડી નથી પણ ત્યાં મહી નદીનાં કોતર એટલાં ઊંડાં અને વાંકાચૂકાં છે કે બહારવટિયાઓને તો પહાડી પ્રદેશના જેટલું જ રક્ષણ આપે છે. કોતરોથી અજાણ્યા પોલીસોની મગદૂર નથી કે બહારવટિયાને પકડવા ત્યાં જાય, પણ ત્યાં સંતાઈ રહીને ગુજરાનની કંઈક વ્યવસ્થા તો કરવી જ જોઈએ. એટલે આવી રીતે નાઠેલો માણસ ચોરી અને લૂંટફાટનું કામ કરતી કોઈ જૂની ટોળીમાં સામેલ થાય છે અને વધારે બાહોશ અને પરાક્રમી હોય તો નવી ટોળી બનાવે છે.

સમાજમાં ચાલતાં ઊંચનીચપણાનાં અભિમાન પણ બહારવટિયા પેદા કરવામાં કારણભૂત બને છે. બોરસદ તાલુકામાં કેટલાંક ગામ એકલા બારેયા કે