પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને હથિયારની જરૂર ન હોય. બહારવટું તો ઢસાના દરબારનું છે, બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિઃશસ્રને સતાવે, લોકોને લૂંટે અને ખૂન કરે તે માણસ તો કોમને કલંકરૂપ છે.

“હું જો બહારવટિયાને મળું તો તેને આટલી વાત કહું : તારે માટે જીવવું ફોગટ છે, તું ગોળીથી મરીશ, ફાંસીએ ચઢીને મરીશ, ઠોકર ખાઈને મરીશ, કોઈ પણ એક રીતે તો જરૂર મરવાનો છે. આટલાં પાપ કર્યા પછી પોલીસ થાણા પર જઈ અથવા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને બંગલે જઈ ગુનાની કબૂલાત કરી પશ્ચાત્તાપ કર કે જેથી પાપ પાછું ઠેલાય. જમના દૂતથી કોઈ પણ સંતાયેલો રહી શકવાનો નથી, તે તો દુનિયાના પડ ઉપર કોઈ પણ ઠેકાણેથી તને શોધી કાઢશે. ગુનો કબૂલ કરીને ફાંસીને લાકડે લટકવામાં બહાદુરી છે, બાકી આમ નાસતા ફરવામાં અને સંતાતા રહેવામાં તો કાયરતા જ છે.”

બોરસદની સભા થઈ ગયા પછી ચાર દિવસ સરદાર બોરસદ તાલુકાનાં બીજાં ઘણાં ગામોએ ફર્યા અને પોતાનો સંદેશો લોકોને સંભળાવ્યો. દરબાર સાહેબ, પંડ્યાજી, રવિશંકર મહારાજ તથા બીજા લગભગ બત્રીસ ભાઈઓએ બોરસદ તાલુકામાં જુદે જુદે ગામે થાણાં નાખી, તાલુકાને સ્વરાજની લડત માટે તૈયાર કરવાની પ્રતિજ્ઞા લઈ આસન જમાવી બેસી જવાનો પોતાનો નિરધાર જાહેર કર્યો, અને તાલુકામાં કામ કરવા માંડ્યું. ખાસ કરીને પંડ્યાજી તથા રવિશંકર મહારાજે બોરસદના બારૈયા તથા પાટણવાડિયા કોમમાંથી ચોરી, લૂંટ વગેરે ગુના કરવાની વૃત્તિ નાબૂદ થાય તે માટે ભગીરથ પ્રયત્ન આદર્યો. એમના પ્રયાસોને પરિણામે એ કોમો ઠીક ઠીક આત્મશુદ્ધિને પંથે ચઢી ગણાય.

બોરસદ સત્યાગ્રહની પૂર્ણાહુતિ પછી સરકાર સાથે સત્યાગ્રહનો એક નાનો પ્રસંગ બન્યો તેની નોંધ અહીં જ કરી લઈશું. બોરસદની લડત શરૂ થઈ તે પહેલાં વરસેક દહાડા ઉપરથી નડિયાદથી વડોદરા સ્ટેશનો વચ્ચે રેલવેની માલગાડીમાંથી ચોરીના પ્રસંગો ખૂબ બનવા લાગ્યા હતા. ગુડ્ઝ ટ્રેનમાં જે ઉઘાડાં વૅગન હોય છે તેના ઉપર કોઈ પણ બે સ્ટેશન વચ્ચે ચાલતી ગાડીએ રાતને વખતે માણસો ચડી જતા. તેઓ વૅગનમાંથી કોથળા અને પાર્સલો પાડી નાખતા તે તેમના સાગરીતો નીચે ઊભા હોય તે ઉપાડી જતા. ગુડ્ઝ ટ્રેન લાંબી હોય એટલે ડ્રાઈવર કે ગાર્ડને આની ખબર પડતી નહીં. ગુડ્ઝ ટ્રેનમાંથી માલ પાડવાનું કામ ઘણુંખરું બારૈયા અને પાટણવાડિયા લોકો કરતા અને એ ચોરીનો માલ લાઈન ઉપરનાં ગામોમાં ઊજળી ગણાતી વસ્તીના કેટલાક લોકો રાખતા.