પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦
સરદાર વલ્લભભાઈ

સાડી પણ રંગીન કિનારવાળી કદી પહેરી નથી. પોતાની પાસે થોડા દાગીના હતા તે પણ ગાંધીજીને ઉતારી આપ્યા. ગાંધીજીએ સલાહ આપેલી કે સ્વરાજ્ય મળતાં સુધી ન પરણવું એવો સંકલ્પ તું કરે તો સારું. મણિબહેને એ સલાહ માની એટલું જ નહીં પણ કાયમ કુંવારું જીવન ગાળવાનો સંકલ્પ કર્યો. પહેલેથી જ કઠણ અને સાદું જીવન ગાળવા તરફ એમનું વલણ હતું. તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે અત્યારે વખતોવખત ઉપવાસ તથા બીજાં અનેક પ્રકારનાં વ્રત તેઓ નિયમિત રીતે કરે છે. કેટલાંય વર્ષોથી દરરોજ કાંતવાનો નિયમ પણ બહુ ચીવટપૂર્વક પાળે છે અને પોતાનાં તથા સરદારનાં કપડાં થાય એટલું સૂતર તેઓ કાંતે છે.

ગાંધીજી ઈચ્છતા હતા કે મણિબહેન સ્ત્રીસેવાના કામમાં પડે. જમનાલાલજીની ઈચ્છા વર્ધામાં મહિલા વિદ્યાલય કાઢવાની હતી. ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા પછી તે માટે થોડો વખત વર્ધા રહેલાં. પછી ગાંધીજીએ તાલીમ માટે તેમની સુપરત શ્રી દેવધરને કરી અને એમણે એમને પૂનાના સેવા સદનમાં રાખ્યાં. પછી એકાદ વરસ સાબરમતી આશ્રમમાં રહેલાં. ત્યાં બહેનોનું મંડળ હતું તેના મંત્રી તરીકે કામ કર્યું. ’૨૭ના રેલસંકટ વખતે છએક મહિના માતરમાં મારી સાથે કામ કર્યું. બારડોલી સત્યાગ્રહની લડત પછી તેમને પિતાની સેવાનું કામ જડી ગયું. ત્યારથી આજ સુધી તેમાં જ ઓતપ્રોત છે અને તેમાં જ જીવનની સાર્થકતા અને ધન્યતા અનુભવી રહ્યાં છે. સરદારની સેવા તેઓ અનન્ય ભક્તિથી અને કુશળતાથી કરે છે. કઈ ઘડીએ સરદારને શું જોઈશે તે તેમના માગ્યા વિના અગાઉથી વિચારી લઈ હાજર રાખે છે. તેમની તબિયતની બહુ કાળજીપૂર્વક સંભાળ રાખે છે. નાહક કોઈ વધારે પડતો શ્રમ કે ત્રાસ ન આપે તેની ખડે પગે સખ્ત ચોકી કરે છે. આ ચોકી કરવામાં સરદારની મુલાકાત લેવા ઈચ્છનારાઓ સાથે તારતમ્ય કરવા જતાં તેમને ઘણી વાર આકરા પણ થવું પડે છે અને મુલાકાતીઓની સારી પેઠે ઇતરાજી વહોરવી પડે છે. સરકારી કામો ઉપરાંત સાર્વજનિક સંસ્થાઓ તથા ટ્રસ્ટનાં ઘણાં કામો સરદાર પાસે હોય છે. તેનો પત્રવ્યવહાર સાચવવો, ફાઈલો રાખવી, ભાષણોની નોંધ કરી લેવી, એવાં બધાં કામ પણ મણિબહેન બાહોશીથી કરે છે. આટલી ઉંમરે અને આવી તબિયતે સરદાર આટલું કામ કરી શકે છે તેમાં મણિબહેનની સેવાશુશ્રૂષા તથા ચોકીનો ફાળો ઘણો મોટો છે.

સરદારે મણિબહેનને બિલકુલ નહીં અને ડાહ્યાભાઈને પણ બહુ થોડું રમાડેલા. પણ તેથી બાળકને રમાડવાનું તેમને નથી ગમતું એમ નથી. મણિબહેન તથા ડાહ્યાભાઈને નહીં રમાડવામાં તે પોતાનાં છોકરાંને વડીલોના દેખતાં