પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦
સરદાર વલ્લભભાઈ


ન થાય ત્યાં સુધી તેમના પાણીના નળ ન કાપી નાખવામાં આવે એવો મનાઈહુકમ માગ્યો. કોર્ટે બે પક્ષોની દલીલ સાંભળી મનાઈહુકમ આપવાની ના પાડી ત્યારે છેવટે મ્યુનિસિપાલિટી સાથે તા. ૨૯–૮–’૩૪ ના રોજ સમાધાન કર્યું. તેમાં પોતાનું સ્વતંત્ર વૉટરવર્ક્સ બાંધી લેવા માટે મ્યુનિસિપાલિટીએ આપેલી છ મહિનાની મુદતને બદલે બાર મહિનાની મુદત તેમને આપવામાં આવી. આમ આ પ્રકરણ પત્યું.

આ ગાળામાં મ્યુનિસિપાલિટીએ કરેલાં કેટલાંક નોંધપાત્ર કામો અહીં જ ગણાવી જાઉં. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો તેમ જ વિનીતોને બીજી કોઈ પણ સરકારમાન્ય યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટો તથા મૅટ્રિકની બરાબરના મ્યુનિસિપાલિટીએ ગણવાનો ઠરાવ પસાર થયો. ગાંધીજી જેલમાંથી છૂટીને તથા ગંભીર માંદગીમાંથી સાજા થઈને લાંબા સમય પછી અમદાવાદમાં પાછા પધાર્યા તે વખતે મ્યુનિસિપાલિટી તરફથી એમને માનપત્ર આપવામાં આવ્યું. નવા બંધાયેલા મ્યુનિસિપલ હૉલનું નામ ગાંધી હૉલ રાખ્યું અને તે વાપરવાની શરૂઆત ત્યાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક ભરીને કરી. હિંદના દાદા સ્વ○ દાદાભાઈ નવરોજજીની યાદગીરી જાળવી રાખવા શહેરમાં ચાલતા દાદાભાઈ નવરોજજી પુસ્તકાલય અને વાચનાલય, એ સંસ્થાનો તમામ વહીવટ મ્યુનિસિપાલિટીએ પોતાને હસ્તક લીધો અને તેને હમેશાં નિભાવવાનું સ્વીકાર્યુ. લોકમાન્ય તિલકની મૂર્તિ વિક્ટોરિયા ગાર્ડનમાં મૂકી. મ્યુનિસિપલ હદમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરવાનો ઇરાદો જાહેર કર્યો અને નિશાળે જવા યોગ્ય બાળકોનું વસ્તીપત્રક કરવાનું નક્કી કર્યું.

અમદાવાદ શહેરની તાત્કાલિક અને મોટામાં મોટી જરૂરિયાત તો પાણીની તંગીનો બની શકે તે ઉકેલ કરવાની, શહેરમાં ગટરો બધે નહોતી ત્યાં નાખી દેવાની અને શહેરની વસ્તીની તેમ જ રસ્તાઓ ઉપર અવરજવરની ભીડ ઓછી કરવા માટે શહેરનો વિસ્તાર વધારવાની તથા નવા રસ્તા બનાવવાની હતી. સરદારે પ્રમુખ થયા પછી તરત આ કામો હાથ ધર્યાં અને તેનો ઝડપી ઉકેલ આણવાની તજવીજ કરવા માંડી. સવારમાં વહેલા ઊઠીને મ્યુનિસિપલ ઈજનેરને સાથે લઈ શહેરમાં જ્યાં ગટરો નંખાતી હોય ત્યાં, વૉટરવર્ક્સ ઉપર તથા બીજાં કામો ચાલતાં હોય ત્યાં, એ તપાસવા નીકળી પડતા તે બાર વાગ્યે ઘેર આવતા. પછી ત્રણ વાગ્યા પહેલાં પાછા મ્યુનિસિપલ ઑફિસમાં જઈ કામનાં કાગળિયાં જાતે વાંચી જતા તથા જુદાં જુદાં ખાતાંના અમલદારોને રૂબરૂ બોલાવી તેમની સાથે સલાહમસલત કરતા તથા તેમને સૂચનાઓ આપતા. કોઈ પણ મ્યુનિસિપાલિટીમાં વધારેમાં વધારે મહત્ત્વનું અંગ મ્યુનિસિપલ ઇજનેર અને તેની ઑફિસ છે. એટલે સરદાર એ ખાતાને હંમેશ જાગ્રત