પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

રાખતા અને તેને પોતાથી બની શકે તેટલી સઘળી મદદ અને ટેકો આપતા. તાબેના ગણાતા માણસો સાથેનું તેમનું વર્તન બરાબરિયાના જેવું રહેતું તેથી માણસને કામ કરવાની હોંશ અને ઉત્સાહ રહેતાં. પોતે પણ નવરાશના વખતમાં કલાક બે કલાક મ્યુનિસિપાલિટીનું કામ કરવું અથવા કાગળિયાં ઉપર સાહીઓ કરી આવવી એવા કામ કરનારા નહોતા, પણ બધો વખત મ્યુનિસિપાલિટીનાં અને બીજાં સેવાનાં કામમાં આપતા. એટલે તેનો ચેપ મ્યુનિસિપાલિટીના અમલદારો, નોકરો તેમ કાઉન્સિલરોને પણ લાગતો. જે કામ હાથમાં આવે તેનો બધી બાજુએથી તેઓ વિગતવાર અભ્યાસ કરી લેતા. વળી નવી નવી યોજનાઓ કરવામાં તેમની દૃષ્ટિ બહુ વિશાળ હતી. ગમે તેવી મોટી યોજના હોય પણ શહેરને હિતકારી હોય તો તેઓ હિંમત પૂર્વક તે હાથ ધરતા. તેમના કામમાં એક મોટી ખૂબી એ હતી કે તેમાં વગવસીલાનું જરા પણ ચાલતું નહીં. પોતાની કામ કરવાની ધગશ અને બાહોશીને લીધે તેઓ પોતાના બધા સાથીઓ — પછી તે મ્યુનિસિપલ અમલદાર હોય કે કાઉન્સિલર, તેમના આદર, પ્રેમ અને વફાદારી સંપાદન કરી શકેલા. પોતાના સાથીઓ પ્રત્યે પણ તેઓ એ જ ભાવ રાખતા. તેમની કાંઈ મુશ્કેલી હોય તો તેની બરાબર કદર કરતા. પરિણામે મ્યુનિસિપાલિટીમાં વફાદાર અને બાહોશ અમલદારો તથા કાર્યકર્તાઓનું તેઓ એક જૂથ ઊભું કરી શક્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીનો વહીવટ દેશમાં પંકાયો.

અમદાવાદ શહેરનું કોટની અંદરના ભાગનું ક્ષેત્રફળ ૧૨૦૦ એકર છે. તેમાંથી માત્ર ૪૨૫ એકરમાં જ ગટરો હતી. તેને બદલે આખા શહેરમાં ગટરો નાખી દેવાની યોજના કરી અને તે પોતાની ચાર વર્ષની કારકિર્દીમાં જ પૂરી કરી. ગટરમાંથી પાણી પંપ કરીને ખેતીના ઉપયોગમાં વાપરવા માટે જમાલપુર દરવાજા બહાર એક પમ્પિંગ સ્ટેશન અને તેની પાસે સુએજ ફાર્મ હતું. તેમાં નવાં એન્જિનો તથા બીજાં સાધનો લાવી ખૂબ વધારો કર્યો. ગટરોની સાથે લોકોને વાપરવાના પાણીની છૂટ હોય તો જ તેનો ઉપયોગ છે. તે માટે નદીનું પાણી વૉટરવર્ક્સના કૂવા પાસે વાળવાની તથા તે ચોખ્ખું કરી પીવાલાયક બનાવવાની સેનિટરી કમિટીના ચેરમેન તરીકે ૧૯૨૦માં જે યોજના કરી હતી તેમાં જરૂરી સુધારાવધારા કરી સરકારમાં તે મંજૂર કરાવી અમલમાં મૂકી. તેને અંગે નદીના પટમાં નવા કૂવા ખોદાવવાનું, વૉટરવર્ક્સમાં નવું એન્જિન લાવવાનું, શહેરમાં પાણી પહોંચાડવા માટેની પાઈપ નાની હતી તે બદલીને મોટી મુકાવવાનું વગેરે કામો ઉપાડ્યાં. વૉટરવર્ક્સ અને ગટરની આ સંયુક્ત યોજના માટે સરકારની મંજૂરી મેળવી શહેરમાંથી સાડીપિસ્તાળીસ લાખ રૂપિયાની લોન ઊભી કરી. આ બધાં કામમાં પાછળથી બીજા કોઈ ખામીઓ