પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
સરદાર વલ્લભભાઈ


અને પાણીનો નિકાલ કરવા માટે ક્યાં ક્યાં તોડફોડ કરવી પડે એમ છે એ જોઈને બન્ને જણ સીધા મ્યુનિસિપલ એન્જિનિયરને ઘેર ગયા. એને સૂતો ઉઠાડ્યો અને એને સાથે લઈ મ્યુનિસિપાલિટીમાં ગયા. ત્યાંથી બધે ફોન કરી સ્ટાફના માણસો, મુકાદમો અને મજૂરોને એકઠા કર્યા. કયાં કયાં નાળાં, સડકો વગેરે તોડાવીને પાણીનો માર્ગ કરી આપવાની જરૂર છે એની યુદ્ધપરિષદની ઢબની ચર્ચા કરી, સૌને કામની સોંપણી કરી દીધી. આ સોમવારની સાંજથી ઘરો પડવાની શરૂઆત થઈ. તેને લીધે રસ્તા બંધ ન થઈ જાય એ પણ જોવાનું હતું. આ ત્રણ ચાર દિવસ સરદારે અને મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી ગોરેએ દિનરાત પલળતે શરીરે અને દદડતે કપડે શહેરમાં ચારે તરફ ઘુમીને પાણીનો સવેળા નિકાલ ન કર્યો હોત તો શહેરની કોણ જાણે શી દશા થાત. એમ કહી શકાય કે સરદારની સમયસૂચકતાએ અને શ્રી ગોરેની ઈજનેરી બુદ્ધિએ તથા એ બન્ને ઉપરાંત મ્યુનિસિપલ ઇજનેરી ખાતાના આખા સ્ટાફની તનતોડ મહેનતે શહેરને ઘણે દરજ્જે બચાવી લીધું.

આવા ભારે તોફાનમાં આખા ગુજરાતની શી દશા થઈ હશે તેની ચિંતા સરદાર બધો વખત કર્યા જ કરતા હતા. પણ મુશળધાર વરસાદ પડ્યા કરતો હતો, રેલગાડીઓ આવતી બંધ થઈ ગઈ હતી એટલે ટપાલ આવે નહીં, અને ઘણી જગાએ તારનાં દોરડાંને નુકસાન પહોંચ્યું હતું એટલે તારનું પણ ઠેકાણું ન હતું. બહારના કશા સત્તાવાર કે વિગતવાર સમાચાર મળતા નહોતા. આવી સ્થિતિમાં ક્યાં અને કેવી રીતે મદદ પહોંચાડવી તેની કશી સમજ પડે એમ નહોતું. એકલા અમદાવાદ શહેરમાં છ હજાર ઉપર ઘર પડી ગયાં હતાં. તેનું બધું ઠીકઠાક કરવા માટે અને બીજાં સંખ્યાબંધ ઘરો પડું પડું થઈ રહ્યાં હતાં તેને ટેકોટાભો કરવા માટે લાકડું જોઈએ, તેના ભાવ અને સુથાર કડિયાના રોજ એટલા વધી ગયા હતા કે એ આ ભાવો ઉપર અંકુશ શી રીતે રાખવો એ સરકારી અમલદારો અને આગેવાનો માટે ચિંતાનો એક વિષય થઈ પડ્યો હતો.

અમદાવાદમાં થયેલી હોનારત પરથી તથા આ ભયંકર સંકટથી ગુજરાત કાઠિયાવાડ ઉપર કેવી આફત ઊતરી હતી તેના આછાપાતળા સમાચાર ઉપરથી, પછીના રવિવારના ‘નવજીવન’માં સંકટગ્રસ્તોને મદદ માટે સરદારે નીચેની અપીલ બહાર પાડી :

“ગયા અઠવાડિયામાં થયેલી અનરાધાર વૃષ્ટિએ ગુજરાત કાઠિયાવાડને એકાએક અણધાર્યા સંકટમાં ઉતારી દીધાં છે. ગામનાં ગામ તણાયાં છે અગર પાણીમાં ડૂબ્યાં છે. લોકો ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે, એવી છૂટીછવાઈ ખબર આવે છે. ટપાલ, રેલવે, તાર બધુ જ લગભગ બંધ હોવાને લીધે બહારગામોની