પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮
સરદાર વલ્લભભાઈ


૫. ઘણાં સ્થળે તણાઈ ગયેલાં ઢોરનાં મડદાં તથા પલળીને બગડી ગયેલું તેમ જ દટાઈ ગયેલું અનાજ સડ્યા કરતું હતું. આને લીધે દુર્ગંધ મારતી હતી. સાબરમતી આશ્રમના તથા વિદ્યાપીઠના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ગામેગામ આ સફાઈનું કામ ઉપાડી લીધું. ઢોરનાં મડદાં તથા સડતું અનાજ દાટી દીધું. જ્યાં પાણીનાં મોટાં ખાબાચિયા ભરાયાં હતાં ત્યાં પાણીના નિકાસનો માર્ગ કર્યો. નિકાસ ન થઈ શકે એમ હતું ત્યાં પાણીમાં જંતુનાશક દવાઓ નાખી. ચોમાસામાં ગાડાં ન ચાલી શકે તેથી કચરાની ગાડીઓ તેઓએ જાતે ખેંચી. ગંધ મારતી નીકો પણ તેમણે સાફ કરી.
૬. ભાદરવા મહિનામાં તાવનો ઉપદ્રવ આપણા દેશમાં લગભગ બધે જ હોય છે. આ સાલ મરડાનો ઉપદ્રવ પણ થયેલો. તાવની અને મરડાની નક્કી કરેલી દવાઓ સ્વચંસેવકોને આપવામાં આવતી. તે તેઓ ગામેગામ વહેંચતા. કેટલાંક મથકોએ તો રીતસર દવાખાનાં જ ચલાવવાં પડેલાં. સામાન્ય રીતે દુકાળ કે રેલની પછી રોગચાળો ફાટી નીકળે છે. પણ સ્વયંસેવકોના પ્રયાસને લીધે ગુજરાતમાં એવું કશું બનવા ન પામ્યું. તા. ૨૬મી ઑગસ્ટ, ૧૯૨૭ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અંકમાં તંત્રીએ પોતાની નોંધમાં જણાવ્યું કે, ‘ગયું રેલસંકટ જનસુખાકારીના આંકડામાં કશો ફેર પાડી શક્યું નથી તે માટે ગુજરાતને ધન્યવાદ ધટે છે.’ તા. ૩૦મી ઑક્ટોબરના અંકમાં એ જ પત્રના પૂનાના ખબરપત્રીએ અગાઉના આંકડા સરખાવીને લખ્યું કે, ‘રેલસંકટને લીધે સંકટગ્રસ્ત વિસ્તારના કોઈ પણ ભાગમાં પાછલાં વર્ષો કરતાં મરણપ્રમાણ વધવા પામ્યું નથી.’
૭. અનાજ, બિયાવું, દવાઓ વગેરેની સાથે કપડાં પણ છૂટથી વહેંચવામાં આવ્યાં તથા જે ગરીબ માણસો બિલકુલ ઘરબાર રહિત થઈ ગયાં હતાં તેમને માથે કામચલાઉ ઢાંકણું થાય તે માટે મદદ આપવામાં આવી હતી. બધા પ્રકારની મદદમાં ગુજરાત પ્રાંતિક સમિતિને કુલ રૂપિયા પાંચ લાખનું ખર્ચ થયું હતું. આ ઉપરાંત જે સંસ્થાઓ તથા શાહુકારોએ બારોબાર મદદ વહેંચી તે જુદી.

આ સંકટના નિવારણ અર્થે સરદારે તાબડતોબ વ્યવસ્થા ઊભી કરી, તેને મુકાબલે સરકાર નિશ્ચેષ્ટ જેવી પડી રહી હતી. વૃષ્ટિ બંધ થયા પછી આઠેક દિવસે જ્યારે જિલ્લા કલેક્ટરના તાલુકાઓ અને ગામો સાથે વ્યવહાર જોડાયા ત્યારે તાલુકા અમલદારોને નુકસાનીનાં પત્રકો તૈયાર કરવાનો હુકમ મળ્યો. ઉત્તર વિભાગના કમિશનર રેલ વખતે પૂના હતા ત્યાંથી તા. ૪થી ઑગસ્ટે અમદાવાદ આવ્યા. ત્યાર પછી તેમણે તાલુકા દીઠ બે હજાર રૂપિયા મફત મદદના અને પંદર પંદર હજાર રૂપિયા તગાવી લોનના મંજૂર કર્યા. સરકારનું તંત્ર સામાન્ય રીતે જે મંદ ગતિએ ચાલે છે તે પ્રમાણે મામલતદારોનાં નુકસાનીનાં પત્રકો તૈયાર થાય અને પછી મદદ વહેંચાય ત્યાં સુધી લોકો બેસી