પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
સરદાર વલ્લભભાઈ


“બારડોલી સત્યાગ્રહ કેવળ બારડોલીને જ મદદ નહીં કરે, ચોર્યાસીનું કામ અનાયાસે થશે. અમારાથી આજે બે તાલુકાને પહોંચાય એવી સ્થિતિ નથી. . . . વળી, તમારે ત્યાં ૪૦-૫૦ ટકા જેટલા ખાતેદારો તો સુરત રાંદેરના ધનાઢ્ય માણસો છે. એમના ઉપર કલેક્ટર કમિશનરનું દબાણ પણ ચાલી શકે. એ લોકો ઝટ પૈસા ભરી દે અને પછી તમે લોકો ગભરાઈ જાઓ. હું તમને આમ ખાડામાં કેમ ઉતારું ? આપણી પિછોડી જોઈને જ શેડ તાણવી જોઈએ. બાકી બારડોલીનું જે થશે તે તમારું પણ થવાનું જ એમ ચોક્કસ માનજો.”

ચોર્યાસીના લોકો આ વાત સમજી ગયા. પછી સરદાર જાહેર સભામાં ગયા અને બધી વસ્તુ સભાને વિસ્તારથી સમજાવી. તેનો સાર ભાગ નીચે આપ્યો છે:

“મેં સરકારને કાગળ લખ્યો હતો. તેમાં નિષ્પક્ષ પંચ નીમી તપાસ કરવાની માગણી કરી હતી. સરકારનો જવાબ આવી ગયો છે કે તમારો કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મોકલ્યો છે. એ જવાબ જ ન કહેવાય. સરકારનો જમીન મહેસૂલનો કાયદો ભારે અટપટો અને ગૂંચવણ ભરેલો છે. એ એવી રીતે ઘડેલો છે કે સરકાર તેનો જ્યારે જેવો ધારે તેવો અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં હોય એવો એ કાયદો છે. . . એ કાયદા પ્રમાણે તો ખેડૂતને ખેતીમાં જે ચોખ્ખો નફો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધોરણ મૂકેલું છે. પણ ખેડૂતને ચોખ્ખો નફો થતો હોય તો ને ? એટલે સેટલમેન્ટ કમિશનરે ગણોતને જ ચોખ્ખો નફો ગણી, એના દર વધ્યા છે એટલી જ બીના ઉપર નવી આકારણી ઠરાવી છે. . . . તેમાં પણ કાયદાની અનેક ભૂલો કરી છે. . . . સરકારને તો ઓણસાલ જ નવી આકારણીનો અમલ કરવાની ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જમીનમહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હશે, એટલે આપણે જેમ કરીશું તેમ ચાલશે. મારા કાગળનો નિકાલ થતાં સુધી હપ્તો મુલતવી રાખવાનું કહ્યું, પણ સરકાર એ થોડું જ મોકૂફ રાખે ? . . . આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય ? આપણે બધા જ ઉપાય અજમાવી ચૂક્યા. હવે છેવટનો એક જ ઉપાય બાકી રહ્યો છે. તે બળની સામે બળનો છે. સરકાર પાસે હકૂમત છે, તોપબંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુ:ખ સહન કરવાની શક્તિ છે. આવાં બે બળોનો મુકાબલો છે. . . . સરકારની વાત અન્યાયની છે અને તેની સામે થવું એ ધર્મ છે, એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. તેમને લેવું છે પણ દેવાનું તમારે છે. ભરવું ન ભરવું એ તમારી ઈચ્છાની વાત છે. તમે એમ ઠરાવો કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરે, જપ્તીઓ કરે, જમીન ખાલસા કરે, અમે આ આકારણી સ્વીકારતા નથી તો તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. . . . આ રાજ્ય પાસે એવું કોઈ