પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સરદાર વલ્લભભાઈ


કે કેમ તેની બાતમી મેળવવા તેણે ખૂબ મહેનત કરવા માંડી. આ વાતની ખબર પડતાં સરદારની સલાહથી આરોપીએ જાતે જ સુપરિન્ટેન્ડેન્ટને મળીને કહ્યું કે, “તમે નકામી મહેનત શું કામ કરો છો ? હું પોતે કબૂલ કરું છું. કે મને પ્રથમ એક વાર નવ માસની સજા થયેલી અને બધો વખત ‘સૉલિટરી કન્ફાઈનમેન્ટ’ — એકાંત કેદમાં રાખવામાં આવેલો. પણ એને તો ઘણો વખત થઈ ગયો. ત્રીસ વરસ પહેલાં એ સજા ભોગવેલી. એટલે એવું કશું મહત્ત્વ ન ગણી શકાય.” આ હકીકતની પેલા સુપરિન્ટેન્ડેન્ટે ચાર્જશીટ ઉપર નોંધ કરી દીધી અને કેસ કોર્ટમાં મોકલ્યો. જ્યારે કેસ નીકળ્યો ત્યારે સરદાર માંદા પડી ગયેલા હોવાથી આરોપી તરફથી કેસ લાવવા માટે તેમને બદલે વિઠ્ઠલભાઈ ગયા હતા. સરકારી વકીલ સાથે તેમને ખૂબ બોલાચાલી અને તકરાર થઈ. ધારી મૂક્યું હતું તે પ્રમાણે મૅજિસ્ટ્રેટે તો આરોપીને ગુનેગાર ઠરાવી તેને છ માસની સખત કેદની સજા કરી અને જજમેન્ટમાં વિઠ્ઠલભાઈની વિરૂદ્ધ કડક ટીકાઓ કરી. આ કેસની અપીલ સરદારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં દાખલ કરાવી. આરોપીને જામીન પર છોડવાની અરજી કરવા ત્યાંના એક મશહૂર બૅરિસ્ટરને રોક્યા. સરકાર તરફથી જામીન પર છોડવા માટે સખત વિરોધ કરવામાં આવ્યો. પેલા સરકારી વકીલે કેસના મહત્ત્વ ઉપર ખાસ ભાર મૂકી જામીનઅરજી રદ કરાવી. એટલે સરદારે અપીલની સુનાવણી તરત જ કરવાની માગણી કરી. તે મંજૂર થઈ અને બે કે ત્રણ દિવસમાં અપીલની સુનાવણી રાખવામાં આવી. આવા કેસો ભાગ્યે જ પકડાય છે અને આરોપી પોલીસનો અમલદાર છે એ વાત પર વારંવાર ભાર મૂકી કેસ ખૂબ નબળો હોવા છતાં સરકારી વકીલ જોસથી દલીલ કરતા હતા. બચાવ પક્ષના બૅરિસ્ટર એમ દલીલ કરતા હતા કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપી કોણ છે એ વાત લક્ષમાં ન લેવાય. જજનું મન ડામાડોળ થતું હતું. સરકારી વકીલે વધુમાં એ દલીલ કરી કે આ આરોપીને અગાઉ નવ માસની સજા થઈ ગયેલી છે એ વાત લક્ષમાં લેવી જોઈએ. એમ કહીને ચાર્જશીટ ઉપરની એ વિષેની નોંધ જજને બતાવી. આ સાંભળીને બચાવ પક્ષના બૅરિસ્ટર તો સ્તબ્ધ થઈ ગયા, અને જજે એમનો ખુલાસો પૂછ્યો એટલે એ તો સરદાર ઉપર ખૂબ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે આ વાતની પ્રથમથી જ મને જાણ કરી હોત તો અપીલ ન કરવાની સલાહ આપત. એમ કહીને તેઓ તો બેસી ગયા. આરોપીનું ભવિષ્ય ત્રાજવામાં તોળાઈ રહ્યું હતું. કેસ રસાકસીનો હોવાથી આખી કોર્ટ ચિકાર ભરાઈ ગઈ હતી. તે વખતે સરદારે ઊભા થઈ કોર્ટને વિનંતી કરી કે આરોપીને અગાઉ સજા થયાનો પુરાવો અમને બતાવવો જોઈએ. જજે પેલી નોંધ સરદારને જોવા આપવાનો હુકમ કર્યો. સરકારી વકીલ ગુસ્સે થઈને દલીલ કરવા લાગ્યા કે આરોપીએ પોતે કબૂલ