પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૪
સરદાર વલ્લભભાઈ

કે એક્કે પાસો સીધો પડતો નથી એટલે તેણે યુદ્ધ પરિષદ બોલાવી. તેમાં બે ગુજરાતી પ્રધાન હતા. તેઓને સમાધાનીની ઉત્કંઠા વધારે હતી. કમિશનર અને સેક્રેટરીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથે સરકારધારો પહેલો ભરી દેવામાં આવે તો ફરી તપાસ માટે સરકારી અમલદાર નીમવાનો વિચાર થાય. એક પ્રધાન દી○ બ○ હરિલાલભાઈ દેસાઈ સરદારના જૂના મિત્ર હતા. તેમણે માની લીધું કે વલ્લભભાઈ આ તો સ્વીકારી લેશે. એટલે તેમણે એ પ્રમાણે કાગળ લખ્યો. સરદારે તારથી જવાબ આપ્યો કે, ‘પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવે, જોકે તે પણ સ્વતંત્ર, ખુલી તપાસ જાહેર થાય, તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારોની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય. ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યાર પછી.’ સમાધાનીનો આ પ્રયત્ન જન્મતાં જ મરણ પામ્યો અને સરકારી મહારથીઓ નવાં શસ્ત્રાસ્ત્રો સાથે રણે ચઢ્યા.

તા. ૩૧મી મેના રોજ સરકારે ‘બારડોલી અને વાલોડ મહાલના ખાતેદારોને જાહેરનામું’ બહાર પાડ્યું. તેમાં જણાવ્યું કે, ‘સરકારી ઉપાયોમાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ઘરને તાળાં વાસી રાખવાં, પટેલો અને વેઠિયાઓનો બહિષ્કાર કરવાની અને ન્યાતબહાર મૂકવાની ધમકી’ આપવી એવાં લોકોનાં ગુનાઈત કૃત્યથી જપ્તીનું કામ અકારથ નીવડ્યું એટલે પછી સરકાર શું કરે ? ‘અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસો તથા જંગમ મિલકતની જપ્તી કરવી પડી અને પઠાણોની મદદ લેવી પડી.’ પણ તેમાં ખોટું શું ? ‘પઠાણોનું વર્તન યો દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાતરી છે.’ તેમાં ખેડૂતોને ફરી ચેતવણી આપવામાં આવી : ‘તેમની જમીન સરકારી ખરાબા તરીકે દફતરે ચઢાવી દેવામાં આવશે. . . . અને આવી રીતે લઈ લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહીં આવે.’ ‘આવી ૧૪૦૦ એકર જમીનનો નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫૦૦૦ એકરનો યથાકાળે નિકાલ કરી દેવામાં આવશે.’ વળી, ‘આજ સુધીમાં એક લાખ રૂપિયા તાલુકા અને મહાલના મહેસૂલ પેટે સરકાર વસૂલ કરી ચૂકી છે, . . . ઘણા લોકો ભરવાને આતુર છે પણ સામાજિક બહિષ્કાર અને ન્યાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જો ૧૯મી જૂન સુધીમાં લોકો મહેસૂલ ભરી દેશે, તો તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહીં આવે.’

અનેક અસત્યો અને અર્ધસત્યોવાળા આ જાહેરનામાને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે લોકોએ ગણી કાઢ્યું. ભવિષ્યવાણી જેવાં