પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૩
બારડોલી સત્યાગ્રહ

ગામડાં જોયાં અને ત્યાં જે જે જોયું તેનો તાદૃશ ચિતાર પોતાના ભાષણમાં ઉતાર્યો. આ રહ્યા તેમના કેટલાક સૂચક ઉદ્‌ગારો : ‘સરકાર શા સારુ ઉઘાડું કહી નથી દેતી કે અમે નર્યા પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુનો નીતિની દૃષ્ટિએ કશો બચાવ થઈ શકે એમ નથી તેનો જૂઠાણાંવાળી અને ભ્રામક દલીલથી બચાવ કરવામાં શું હાંસલ છે?” પઠાણીરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું : “ધોળે દહાડે પઠાણે ચોરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શરમભરેલું છે.” બારડોલી તાલુકામાં ચાલી રહેલા સિતમોનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વર્ણન આપી તેમણે જણાવ્યું : “સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કોઈ પણ ગામડામાં ફરી આવો. બારડોલીનાં ખેડૂતો, સ્ત્રીઓ, બાળકો સૌ કોઈ આ આગેવાનો અને પ્રજાસેવકો ઉપર કેટલાં મરી ફીટે છે ! મુંબઈ સરકારની જુલમનીતિનો કાળો ડાઘ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાનો છે તેમ તેના જવાબદાર વડા અમલદારની પ્રજાસેવકો પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધોવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે.”

હવે બારડોલીમાં મહેમાનોની ભરતી ચડવા જ લાગી. શીખ નેતા સરદાર મંગલસિંગ બારડોલીની લડત જાતે જોવા આવ્યા અને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ લડતનો અભ્યાસ કરવા ડૉ. સત્યપાલને મોકલ્યા. શેઠ જમનાલાલ બજાજ પોતાને બારડોલીના યાત્રાળુ ગણીને ધન્ય માનવા લાગ્યા. મહારાષ્ટ્રથી શ્રી જોષી અને પાટસ્કર તટસ્થ ભાવે બધું જોવા આવ્યા. તેઓ અસહકારી નહોતા પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જોવાનો અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે નિહાળવાનો તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું: ‘ઠેકડી કરવા આવ્યા હતા, પણ સ્તુતિ કરતા જઈએ છીએ.’ આમ સરદાર ઈચ્છે કે ન ઈચ્છે બારડોલી જગબત્રીશીએ ચડ્યું.

સરદારે અત્યાર સુધી નાણાં માટે જાહેર માગણી કરી નહોતી. ખર્ચ માટે બારડોલી તાલુકામાંથી જ દસેક હજાર રૂપિયા મળ્યા હતા. બહારથી થોડાં વણમાગ્યાં દાન આવતાં હતાં. પણ હવે બહારથી તાલુકાની મદદે આવતા સ્વયંસેવકોની સંખ્યા વધતી જતી હતી. બહારથી સંખ્યાબંધ ખેડૂતો અને કાર્યકર્તાઓ લડતની રચના જોવા અને રહસ્ય સમજવા આવતા હતા. એટલે લડતનું ખર્ચ ગુજરાત અને બૃહદ ગુજરાત આપે એવી સરદારે માગણી કરી અને ખાસ પ્રયત્ન વિના જોઈતાં નાણાં આવવા માંડ્યાં.

જેમ જેમ બારડોલીનું બળ વધતું જતું હતું તેમ તેમ સરકારની અકળામણ વધતી જતી હતી. મે મહિનાનો તાપ સરકારથીયે સહન ન થયો. તેણે જોયું