પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૮
સરદાર વલ્લભભાઈ

સરદારે પોતાની અનેક સચોટ ઉપમાઓમાંની એક વાપરીને પેલા અમલદારને ગામમાં ભોંય ભારે પડે એમ કહ્યું:

“બે જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલમાંથી રસ લઈ આવી મધ બનાવે છે. બીજી માખી ગંદા ઉપર જ બેસે છે અને ગંદકી ફેલાવે છે. એક માખી જગતને મધ આપે છે, ત્યારે બીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીઓ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશો જ નહીં. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખશો કે તમારી પાસે એ માખીઓ આવે.”

બારડોલીમાં આ લડતને માટે ખાસ રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા હતા. તાલુકામાં ગુના તો થતા જ નહોતા. કોઈ ગુના કરતું હોય તો પોલીસના માણસો, સરકારે આણેલા પઠાણો અને સરકારી અમલદારો જ કરતા હતા. પણ તેથી કાંઈ મૅજેસ્ટ્રેટને આળસુ બેસવા દેવાય ? કલેક્ટર સાહેબ બારડોલી આવ્યા હતા. તેમની હિલચાલની દેખરેખ રાખવા એક સ્વયંસેવક સરકારી બંગલાથી થોડે છેટે રસ્તાની સામી બાજુએ બેઠો હતો. કલેક્ટરને આ ન ગમ્યું. એને બોલાવી મંગાવ્યો અને ફોજદારને સોંપ્યો. તેણે ચેતવણી આપી સ્વયંસેવકને છોડી મૂક્યો. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના વિદ્યાર્થી દિનકર મહેતા અને બીજા એક સ્વયંસેવકે લીધી. એ બંનેને પકડવામાં આવ્યા. એટલે એમની જગ્યા જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તે જ સ્વયંસેવકે લીધી, એટલે એને પણ પકડ્યો. પણ એમને કલમ કઈ લગાડવી ? જાહેર રસ્તા ઉપર રખડતા રઝળતા ભામટાવાળી કલમ તૈયાર હતી. ત્રણે જુવાનોને રૂ. ૫૦ દંડ નહીં તો બે માસની સજા કરવામાં આવી. મૅજિસ્ટ્રેટે જજમેન્ટમાં લખ્યું : ‘આ આરોપીઓ બારડોલીમાં સરકારી બંગલા આગળ કલેક્ટરનો મુકામ હતો ત્યારે રઝળતા અને જતા આવતાને અટકાવ કરતા માલૂમ પડ્યા હતા.’ પણ કોનો અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો ? એના પુરાવાની કશી જરૂર નહોતી ! ત્રણે જણે દંડ ન ભરતાં જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની અનાયાસે લાધેલી આ તકનો લાભ લેવા ત્યાં ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહીં.

નાની ફરોદ નામના ગામના રહીશ ભવાનભાઈ હીરાભાઈ નામના ગરીબ ગાય જેવા ખેડૂત ઉપર જપ્તીદારને અટકાવવા માટે બારણાં બંધ કરવાનો અને તેને ઈજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેની વીર પત્નીએ કહ્યું કે, આ ગુનો કોઈએ કર્યો હોય તો મેં કર્યો છે, બારણાં મેં ઢાંક્યાં હતાં. છતાં, તેને ન પકડવામાં આવી અને ભવાનભાઈને છ માસની સખ્ત કેદની સજા