પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૭
બારડોલી સત્યાગ્રહ


સર ચૂનીલાલ મહેતાની વિનંતીથી રા○ બ○ ભીમભાઈ વગેરે કેટલાક સભ્યો સુરતના કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચાયેલી જમીન મૂળ માલિકને નામે ચડાવી દેવડાવવા માટે સુરત ગયા. સુરતના જે કલેક્ટરે ઘણી વાર પોતાનાં શુભ વચનમાં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં નહીં આવે, તેની આ ટાંકણે જ સરકારે બીજા જિલ્લામાં બદલી કરી. નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કશો બાધ આવે તેમ નહોતું. તેણે બે ત્રણ ખરીદનારાઓ હતા તેમને બોલાવ્યા અને તેમને સમજાવીને તથા દબાવીને કુલ રૂપિયા આર હજારમાં જમીન ખરીદેલી તેટલા રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છોડાવી લીધી. જે દિવસે સુરતના સભ્યોએ પેલો કાગળ લખ્યો તે જ દિવસે ગાંધીજીએ અને સરદારે જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસસમિતિ નીમવાનું જાહેર થયું. સભ્યોના બીજા કાગળના જવાબમાં રેવન્યુ મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, બધા કેદીઓ છૂટી જશે અને તલાટીઓ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નોકરી ઉપર ચડાવવામાં આવશે. આટલું થયું એટલે સરદારે પોતાનો સંતોષ જાહેર કર્યો અને જાહેર રીતે સરકારે સુદ્ધાં સૌનો આભાર માન્યો ખેડૂતોને ઉદ્દેશીને તેમણે પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે, ‘આપણી ટેક જાળવવા સારુ આપણે ઇશ્વરનો પાડ માનીએ, આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે. વધારો ભરવાનો નથી. જૂનું મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશો. ભરવાનો સમય મુકરર થયે જાણ કરીશ.’ બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા. તલાટીઓને પાછા લેવાની અરજી સરદારે જ ઘડી આપી. તે કલેક્ટરને ગમી એટલે તરત જ તેમણે નિમણૂકના હુકમ કઢાવ્યા. આ થયું એટલે લોકોનો ધર્મ જૂનું મહેસૂલ ભરી દેવાનો હતો. એક મહિનાની અંદર તેમણે બધું મહેસૂલ ભરી દીધું.

સરદારની ત્રણ સફળ લડતોમાંની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજને ૫ંથે તેમણે નાખેલા મજલ દાખવનારા સ્તંભોમાંનો આ ત્રીજો સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બોરસદની લડતના જેવી શીઘ્ર ફળદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી. પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ. એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું જ નહીં પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી. આ સત્યાગ્રહનો વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતો : મુખ્ય એ કારણે કે બારડોલીને સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ