પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૦
સરદાર વલ્લભભાઈ

પડવા માંડી હતી. બીજી તરફથી કૉંગ્રેસમાં એક સ્વાતંત્ર્ય સંઘ (ઈન્ડિપેન્ડન્સ લીગ)ની સ્થાપના થઈ હતી અને કૉંગ્રેસના ધ્યેયમાં ‘સ્વરાજ’ શબ્દ હતો તે બદલી ‘સંપૂણ સ્વાતંત્ર્ય’ એ શબ્દ દાખલ કરવાના પ્રયાસો તેના તરફથી થતા હતા. સ્વાતંત્ર્ય મેળવવાની શક્તિ કાંઈ વધી હતી તેમ નહોતું. પણ બ્રિટિશ સામ્રાજ્ય સાથેનો સંબંધ બિલકુલ તોડી નાખવો એવી સ્પષ્ટ જાહેરાત તેઓ કરવા માગતા હતા. ૧૯ર૬ની ગૌહત્તીની કૉંગ્રેસમાં એ ઠરાવ લાવવામાં આવ્યો. ત્યાં જોકે પાસ ન થઈ શક્યો, છતાં ત્યાર પછીની ૧૯૨૭ની મદ્રાસની કૉંગ્રેસમાં એ ઠરાવ પસાર થયો. આ ઉપરાંત મદ્રાસ કૉંગ્રેસમાં બીજા બે બહુ મહત્વના ઠરાવ પસાર થયા. ૧૯૨૭ના નવેમ્બરમાં વાઈસરૉયે જાહેર કર્યું કે બ્રિટિશ પાર્લમેન્ટ તરફથી સર જૉન સાઈમનના પ્રમુખપણા નીચે એક કમિશન નીમવામાં આવ્યું છે જે હિંદુસ્તાનમાં આવી સરકારી અધિકારીઓ તથા લોકનેતાઓને મળી તથા દેશમાં બધે ફરી જાતે તપાસ કરી રિપોર્ટ કરશે કે મૉન્ટ-ફર્ડ સુધારાના અમલને પરિણામે કેટલું કામ થઈ શક્યું છે, બ્રિટિશ હિંદુસ્તાનમાં કેળવણીની તથા લોક-પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાઓની પ્રગતિ કેટલી થઈ છે અને હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં જવાબદાર રાજ્યતંત્રનો સિદ્ધાન્ત કેટલે દરજ્જે દાખલ કરી શકાય એમ છે. આ કમિશનમાં એક પણ હિંદી સભ્યને રાખવામાં આવ્યો ન હતો. તેથી કૉંગ્રેસ સિવાયના બીજા તમામ રાજદ્વારી પક્ષો પણ કમિશનથી નારાજ હતા. કૉંગ્રેસની માગણીઓ તો આ કમિશનથી જરા પણ સંતોષાતી નહોતી. એટલે મદ્રાસની કૉંગ્રેસમાં આ સાઈમન કમિશનનો સખ્ત બહિષ્કાર કરવાનો અને એ જે જે શહેરની મુલાકાત લે ત્યાં તેની સામે વિરોધ દર્શાવનારા દેખાવ કરવાનો ઠરાવ પસાર થયો. સાઈમન કમિશનના બહિષ્કારના નકારાત્મક કામની સાથે તેની અવેજીમાં ચોક્કસ રચનાત્મક કામ પણ કૉંગ્રેસે કરવું જોઈએ એટલા માટે એક સ્વરાજની યોજના ઘડી કાઢી તેમાં બની શકે તેટલા બીજા રાજદ્વારી પક્ષોની સંમતિ મેળવવાનો કૉંગ્રેસે ઠરાવ કર્યો. તે માટે નીમેલી કમિટીના પંડિત મોતીલાલ નેહરુને પ્રમુખ નીમ્યા. આ ઠરાવને લીધે કૉંગ્રેસે એ જ બેઠકમાં થોડી જ વાર પહેલાં પસાર કરેલા પૂર્ણ સ્વાતંત્ર્યના ઠરાવની અવાસ્તવિકતા સ્પષ્ટ દેખાઈ આવી.

દેશમાં સાઈમન કમિશનનો પ્રવાસ અને નેહરૂ કમિટીની કામગીરી બે સાથે સાથે ચાલ્યાં. સાઈમન કમિશન હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ૩-ર-’૨૮ના રોજ ઊતર્યું. દેશભરમાં તે દિવસ એના બહિષ્કાર દિન તરીકે ઊજવાયો. ગામેગામ અને શહેરેશહેર મોટાં સરઘસો નીકળ્યાં. તેમાં વિદ્યાર્થીવર્ગે બહુ જ ઉત્સાહ બતાવ્યો. ‘સાઈમન, ગો બેક’ (સાઈમન, પાછા જાઓ)ના