પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૦
સરદાર વલ્લભભાઈ
પણ હિંદુસ્તાન સ્વતંત્ર થશે અને સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી હિંદુસ્તાન પણ રહેશે એ વિશે મને શંકા નથી.”

ગાંધીજીના આ શબ્દો પછી તેમને આગ્રહ કરવાનો સવાલ જ ન રહ્યો. પછી સરદારનું નામ સૂચવાયું. એમણે તો તરત કહી દીધું કે : ‘જયાં સેનાપતિ જવાની ના પાડે છે ત્યાં હું સિપાઈ જવાની શી રીતે હિંમત કરું ?’ આખરે જવાહરલાલજીનું જ નામ સભા આગળ રહ્યું અને સર્વાનુમતે તેમની વરણી થઈ. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ માં ‘યુવકોની કસોટી’ નામનો લેખ લખ્યો. તેમાં જણાવ્યું:

“યુવકોની હવે કસોટી થવાની છે. આ વર્ષ યુવકોની જાગૃતિનું હતું. સાઈમન કમિશનના બહિષ્કારની જ્વલંત સફળતામાં તેમનો ખરેખર મોટો હિસ્સો હતો. જવાહરલાલની પ્રમુખ તરીકે ચૂંટણી થઈ છે એ યુવકોની સેવાની કદર તરીકે ભલે મનાય. પણ નવજવાનો કેવળ પોતાના જૂના વિજય ઉપર ન જીવે. રાષ્ટ્ર પેતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે પહેલાં તેમણે કેટલીયે મજલ કાપવી પડશે. . . . જવાહરલાલ એકલા થોડું જ કરી શકે એમ છે. નવજવાનોએ એમના હાથપગ બનવું પડશે, આંખકાન બનવું પડશે. યુવકો આ વિશ્વાસને લાયક નીવડો.”

વાઈસરૉય લોર્ડ અર્વિન બ્રિટિશ પ્રધાનમંડળ સાથે મસલત કરવા વિલાયત ગયા હતા ત્યાંથી તા. ૨પમી ઑક્ટોબરે પાછા હિંદ આવ્યા. તેમણે તા. ૩૧મી ઑક્ટોબરે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. તેના ઉપર વિચાર કરવા માટે પં○ મોતીલાલજીએ કૉંગ્રેસ કારોબારીની મીટિંગ તા. ૧લી નવેમ્બરે દિલ્હીમાં બોલાવી. બીજા પક્ષના નેતાઓ પણ વાઈસરૉયના જાહેરનામા ઉપર વિચાર કરવા દિલ્હીમાં એકઠા થયા. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં કહ્યું કે, શહેનશાહની સરકારને એમ લાગે છે કે સાઈમન કમિશનનો રિપોર્ટ બહાર પડે અને શહેનશાહની સરકાર પાર્લમેન્ટ સમક્ષ પોતાની દરખાસ્તો વિચારણા માટે રજૂ કરે તે પહેલાં તેણે બ્રિટિશ હિંદના અને દેશી રાજ્યના પ્રતિનિધિઓને મળી લઈ છેવટની દરખાસ્તોમાં કેટલે સુધી તેમની સંમતિ મેળવી શકાય એમ છે એ જાણી લેવું આવશ્યક છે. નરમ પક્ષના નેતાઓને તો આ જાહેરનામાથી પૂરી સંતોષ હતો. ઇંગ્લંડમાં તે વખતે મજૂર સરકાર હતી તેને તે મહત્ત્વ આપતા હતા. સર સી. પી. રામસ્વામી, જેઓ તાજા જ વિલાયતથી વિમાનમાં આવ્યા હતા તેમણે એવો મત આપ્યો કે હિંદી વજીર અંત:કરણપૂર્વક હિંદુસ્તાનને સ્વતંત્ર કરવા ઇચ્છે છે, પણ ખાસ પરિસ્થિતિને લીધે પોતાની ઈચ્છાઓનો અમલ કરી શકતા નથી. માટે તેમને હિંદુસ્તાન તરફથી પૂરો ટેકો મળવા જોઈએ. સર તેજબહાદુર સપ્રુએ