પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૩
પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ


એક નોકરને ઈજા થઈ. મુલાકાતમાં ગાંધીજી અને પં○ મોતીલાલજી ઉપરાંત બીજાં દૃષ્ટિબિન્દુ રજૂ કરવા માટે જનાબ ઝીણા, સર તેજબહાદુર તથા શ્રી વિઠ્ઠલભાઈ પટેલને પણ બોલાવવામાં આવ્યા હતા. સવારમાં જ જીવને જોખમકારક અકસ્માતમાંથી પસાર થયેલા હોવા છતાં વાઈસરૉયે નેતાઓનું બહુ પ્રસન્નતાપૂર્વક, હાર્દિક સ્વાગત કર્યું. પોણો કલાક તો બૉમ્બની વાત ચાલી. પછી વાઈસરૉયે કહ્યું : ‘બોલો ક્યાંથી શરૂ કરીશું ? કેદીઓની મુક્તિનો પ્રશ્ન લઈએ ?’ ગાંધીજીએ કહ્યું કે, ‘પૂર્ણ ડુમિનિયન સ્ટેટસના પાયા ઉપર જ પરિષદનું કામ ચાલવું જોઈએ. એ બાબતની અમારે તમારી પાસેથી ખાતરી જોઈએ છે.’ વાઈસરૉયે કહ્યું કે, ‘મારા જાહેરનામામાં સરકારની જે સ્થિતિ સ્પષ્ટ કરેલી છે તેથી આગળ કશું વચન હું આપી શકું નહીં. વળી તમે ડુમિનિયન સ્ટેટસનું ચોક્કસ વચન માગો છો તે આપીને પરિષદનું આમંત્રણ આપવાની સ્થિતિમાં હું નથી.’

વાઈસરૉયે આટલી સ્પષ્ટતા કર્યા પછી કોઈ પણ જાતની વધુ આશા રાખવાનો પ્રશ્ન જ રહ્યો નહીં. સરકારની સાથે મરણિયો જંગ ખેલી લીધા વિના છૂટકો જ નથી એવી દૃઢ પ્રતીતિના વાતાવરણમાં લાહોર કૉંગ્રેસની બેઠક જવાહરલાલજીના પ્રમુખપણા નીચે થઈ, અને ગયા વર્ષની કલકત્તા કૉંંગ્રેસમાં કરેલા સંકલ્પને અનુસરીને પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ તેમાં પસાર થયો.

પૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ

“વાઈસરૉય સાહેબના તા. ૩૧ મી ઑક્ટોબરના જાહેરનામાના જવાબમાં કૉંગ્રેસી અને બીજા નેતાઓએ પ્રગટ કરેલા ડુમિનિયન સ્ટેટસ બાબતના સંયુક્ત ખરીતા વિષે કારોબારીએ લીધેલા પગલાને આ કૉંગ્રેસ બહાલ રાખે છે, અને વાઈસરૉય સાહેબે સ્વરાજની રાષ્ટ્રીય હિલચાલનું સમાધાન કરવા માટે કરેલા પ્રયત્નોની કદર કરે છે.
“પણ ત્યાર પછી બનેલી સઘળી ઘટનાઓને તથા ગાંધીજી, પં○ મોતીલાલજી અને બીજા નેતાઓની વાઈસરૉય સાથે થયેલી છેલ્લી મુલાકાતને ધ્યાનમાં લઈને, આ કૉંગ્રેસનો એવો અભિપ્રાય થાય છે કે સરકારે બોલાવવા ધારેલી ગોળમેજી પરિષદમાં વર્તમાન સંજોગોમાં કૉંગ્રેસ ભાગ લે તેથી કશો લાભ થવાનો નથી.
“એટલે ગયે વર્ષે કલકત્તાની બેઠકમાં પસાર કરેલા ઠરાવને અનુસરીને આ કૉંગ્રેસ જાહેર કરે છે કે કૉંગ્રેસના બંધારણમાં સ્વરાજ શબ્દ છે તેનો અર્થ પૂર્ણસ્વાતંત્ર્ય એવો કરવો. વધુમાં આ કૉંગ્રેસ એમ જાહેર કરે છે કે નેહરુ કમિટીના રિપૉર્ટમાં આલેખેલી બંધારણની યોજના આખી હવે રદ થાય છે અને આશા રાખે છે કે હવે પછી હિંદુસ્તાન સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે તે માટે સઘળા કૉંગ્રેસીઓ પોતાની તમામ શક્તિ કેન્દ્રિત કરશે.