પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ


હતું. એટલે જણ દીઠ પાણી બહુ ઓછું મળતું હતું. એટલે ૧૯૦૮ પછી જે સૂચનાઓ આવી હતી તે બધાનો વિચાર કરીને તથા નવી ઊભી થયેલી બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ૧૯૧૧માં એક સર્વગ્રાહી યોજના સરકારી નિષ્ણાતોએ તૈયાર કરવી એવું ઠર્યું. એમાં શહેરની વસ્તી અઢી લાખની ગણવી અને જણ દીઠ દરરોજ વીસ ગૅલન પાણી આપવું એવી ગણતરી રાખી. દર મિનિટે ૯,૦૦૦ ગૅલન પાણી ખેંચવાની શક્તિવાળાં ચાર એન્જિન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. પાણી ગળાઈને વિશુદ્ધ થાય એવી રચના પણ તેમાં સૂચવવામાં આવી. પાણીનો જથો વધારવા નદી ઉપર થોડા ભાગમાં પાકો બંધ બાંધવો એવું પણ તેમાં હતું.
“આ યોજના સરકારે તા. ૧૭–૧૦–’૧૩ના રોજ મંજૂર કરી. તેને માટે નવ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ પણ મંજૂર કર્યો અને સરકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સૂચના આપવામાં આવી કે યોજના પ્રમાણે કામ પૂરું કરી દેવું.
“૧૯૧૪ના ચોમાસા પછી નદીનો પ્રવાહ વળી વધારે દૂર પશ્ચિમ તરફ ગયો. કૂવાઓમાં પાણીનો પુરવઠો ઝપાટાબંધ ઘટવા માંડ્યો. એટલે જાન્યુઆરી માસમાં નદીમાંથી નીક ખોદીને પાણી પાસે લાવવાનો કામચલાઉ ઉપાય મ્યુનિસિપાલિટીને અખત્યાર કરવો પડ્યો. પાણીનો પુરવઠો ટકાવી રાખવા માટે દસ હજાર રૂપિયા ખર્ચીને આ કામચલાઉ તદબીર મ્યુનિસિપાલિટી અખત્યાર કરતી આવી છે.
“પેલી સર્વગ્રાહી યોજના સરકારે મંજૂર કરી ત્યાર પછી સરકારના મિકેનિકલ એન્જિનિયરે તથા સૅનિટરી એન્જિનિયરે તેમાં મહત્ત્વના અને વધુ ખર્ચાળ સુધારા સૂચવ્યા. શહેરમાં પાણીની તાણ એટલી હતી કે મંજૂર થયેલી યોજના બને એટલી વહેલી પૂરી કરવાની જરૂર હતી. છતાં પેલા સુધારા સુચવાયા એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કામ મુલતવી રાખ્યું.
“મ્યુનિસિપલ ચીફ ઑફિસરે મુંબઈ સરકારના સૅનિટરી એન્જિનિયરને કાગળ લખ્યો કે તમે સૂચવેલા સુધારા મુજબની યોજના અને તેના ખર્ચનો અંદાજ જલદી તૈયાર કરી આપો તો સારું. તેનો એમણે ટૂંકો અને તોછડો જવાબ આપ્યો કે અમદાવાદ જેવા મોટા શહેરની મ્યુનિસિપાલિટીએ પોતાનો જ હોશિયાર અને લાયકાતવાળો એન્જિનિયર રાખવો જોઈએ, જે આવી યોજના અને તેના ખર્ચના અંદાજ તૈયાર કરી શકે. અમે અને અમારો સ્ટાફ કાંઈ એકલા તમારા કામ ઉપર બેઠા નથી. એટલે બધું તૈયાર કરતાં અમને તો લાંબો વખત લાગશે.”

તા. ૧પ–૬–’૧૪ના રોજ અમદાવાદના શહેરીઓની જાહેર સભા પ્રેમાભાઈ હૉલમાં શેઠ મંગળદાસ ગિરધરદાસના પ્રમુખપણા નીચે થઈ. તેમાં શહેરને પીવાના પાણીની તંગી પડે છે અને લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે તે તરફ સરકારનું અને મ્યુનિસિપાલિટીનું ધ્યાન ખેંચનારો ઠરાવ પસાર