પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

બાપુ શાંત ચિત્તે જવાબ આપતા જતા હતા, અને હસતા જતા હતા. છેવટે તેમણે કહ્યું : “મેં જ્યારે પહેલો કાગળ લખ્યો ત્યારે તમે આ બધા વાંધા કેમ નહીં કાઢ્યા ? તે વેળા તમે જે કહેત તે હું કરત. કાગળને વધારત, લંબાવત, બધું કરત. પણ હવે શું? હું માનું છું કે એ લોકોને સાત દિવસ તો મળી ચૂક્યા. અને હવે ચાર દિવસ આપવા એ બસ છે. દસ દિવસ આપવા એ તો આપણી નબળાઈ સૂચવે. એમાં એ લોકો પણ પડે. કાંઈ કરતા હોય તે પણ મુલતવી રાખીને બેસે.”

તા. ૪-૧૧-’૩૨ : બાપુએ વળી એક બીજા ઉપવાસની વાત કાઢી અને પોતે ને પોતે કહ્યું : “પણ આની સામે એક વાંધો છે. સરકાર એમ ધારે છે કે આને કોઈ પણ રસ્તે બહાર નીકળવું જ છે.”

હું : “એ વાંધો ઘાતક છે ખરો.”

બાપુ : “કેમ વલ્લભભાઈ, તમે શું કહો છો ?”

વલ્લભભાઈ : (ચિડાઈને) “હવે તમે જરા જંપીને બેસવા દો લોકોને. બિચારા ત્યાં ભેગા થયા છે એમને સૂઝે એમ કરશે. ત્યાં વળી તમે આ પિસ્તોલ બતાવી શા સારુ લોકોને અકળાવો છો ? બીજા માણસોને પણ લાગશે કે આ માણસ નવરો છે, ટાણે કટાણે એ તો ઉપવાસ જ કર્યા કરે છે. છૂટવાને માટે આ બહાનું છે એમ માને છે તો વળી જુદી જ વાત.”

બાપુ: (હસીને) “પણ મહાદેવ કહે છે તે પ્રકારનો ઉપવાસ ?”

વલ્લભભાઈ : “કોઈ પણ રીતનો નહીં !”

બાપુ : “ત્યારે પ્રમુખ સાહેબની સાવ નામંજૂરી જ છે ના?”

વલ્લભભાઈ : “હા.”

બાપુ: “વારુ, ત્યારે એ વાત ગઈ. તમે ના કહો તે થાય ?”

વલ્લભભાઈ : “એ તે અમારી પરીક્ષા કરવા તમે પૂછેલું. અમે ના કહીએ તો તમે હા કહો અને અમે હા કહીએ તો તમે ના કહો એવા છો.”

બાપુ : “વાહ, તો તો મારે ઉપવાસ કરવા જ જોઈએ ખરું ના ?”

વલ્લભભાઈ : (હસીને) “ઉપવાસ કરવા હોય તો કરોને આ બધા ગાળમેજીમાં ચાલ્યા તેમની સામે ?”

બાપુ : “એ તમારે કરવા જોઈએ. જાઓ, તમને રજા આપું છું.”

વલ્લભભાઈ : “હાસ્તો, હું શા સારુ કરું ? હું કરું તો એ લોકો મને મરવા દે. તમારા તો એ બધા મિત્રો છે એટલે કદાચ માને ! પણ ગયેલા કાંઈ પાછા આવવાના છે? જવા દો એ વાત. પણ એક વાત છે. આ દેશમાં બધા ઠંડાગાર થઈને હારીને બેસી ગયા લાગે છે. તેની સામે ચાલોને ત્રણે જણા ઉપવાસ કરીએ.”

બાપુ : “એ તમારી વાત સો ટકા સાચી. પણ એનો અવસર આજે નથી આવ્યો. એ અવસર આવે ખરો. પણ આજે નથી એમ મને સ્પષ્ટ લાગે છે.”

વલ્લભભાઈ : “જો તમારી રજા હોય તો એને માટે તો હું એકલો ઉપવાસ કરું.”