પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સરદાર વલ્લભભાઈ

ધમકાવ્યો ત્યારે તેણે ફરી તપાસ કરીને પ્લેગના કેસો થયાની વાત કબૂલ કરી. લોકોના અજ્ઞાન તથા વહેમ અને સરકારી અમલદારોની આડાઈ તથા ભીરુતાની સામે સરદારને લડવાનું હતું. તેઓ લગભગ દરરોજ પ્લેગવાળાં ગામડાંમાં ફરી વળતા. લોકોની સાથે વાતો કરતા. સભાઓ ભરી ભાષણો આપતા અને લોકોને પોતાનું કર્તવ્ય સમજાવતા. આ ઉપરાંત તેઓ દરરોજ પત્રિકા કાઢતા. પોતાની તળપદી ભાષામાં લોકોના અજ્ઞાન અને વહેમ ઉપર ઠોક પાડતા. કેટલીક વાર વિનોદ કરી લોકોને રીઝવતા ત્યારે કેટલીક વાર તેમની આડાઈ અને મૂર્ખાઈ માટે તેમને ઊધડા લેતા. આમ આ પત્રિકાઓ સફાઈ, સ્વાવલંબન અને આરોગ્ય-સંરક્ષણની બાબતમાં લોકકેળવણીનું એક મહા સમર્થ વાહન થઈ પડતી. ડૉ. ભાસ્કર પણ સ્વયંસેવકોને સાથે લઈ ગામેગામ અને ઘેરઘેર ફરતા. આ બધાનું પરિણામ એ આવ્યું કે પંદર દિવસમાં તે લોકો બધું સમજતા થઈ ગયા. સ્વયંસેવકો પોતાને ગામ આવીને રહે એની તથા જંતુનાશક મિશ્રણની અને ચેપરહિત કરનારી બીજી દવાઓની માગણી તેઓ કરવા લાગ્યા. એટલું જ નહીં પણ ગામના જુવાનિયાઓ સ્વયંસેવકોની સાથે સફાઈના કામમાં જોડાવા લાગ્યા. ગામની બહેનો તથા બાળકો પણ ઘરો અને ફળિયાની સફાઈમાં ભાગ લેવા લાગ્યાં. બારૈયાઓ અને મુસલમાનોનો વિરોધ પણ ટળી ગયો. કુલ ૫૩ દિવસમાં સત્તાવીસ ગામ પૂરેપૂરાં સાફ થઈ ગયાં. સ્થાનિક સંસ્થાઓ તથા સ્થાનિક અમલદારોનો સહકાર જ્યાં મળી શકતો ત્યાં લેવામાં આવતો, પણ એમનો સહકાર બહુ થોડો મળતો.

છાવણીની કામચલાઉ હોસ્પિટલમાં પ્લેગના કુલ ૧૬ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંના બે ગુજરી ગયા, બાર સાજા થઈને ગયા અને બે હૉસ્પિટલના દાક્તરની રજા લીધા વિના જતા રહ્યા. કેવળ દવા લેવા આવનાર દરદીઓની સંખ્યા એપ્રિલ મહિનામાં ૨,૩૪૫ની હતી. અને મે મહિનામાં ૩,૮૧૩ હતી. દાક્તરોએ કશા વેતન લીધા વિના પોતાની સેવા આપેલી હતી. હૉસ્પિટલનું બીજું ખર્ચ બધું થઈને લગભગ રૂપિયા આઠ હજાર થયું હતું. આ ઉપરાંત કુલ બાર ગામના થઈને ૪૪ પ્લેગના દરદીઓએ પોતાને ઘેર રહીને જ ડૉ. ભાસ્કર પટેલની સારવાર લીધી હતી. તેમાંથી ૩૧ સાજા થયા હતા. કામચલાઉ હૉસ્પિટલમાં સ્ત્રી દરદીઓની સારવાર કરવામાં સ્વયંસેવક બહેનોએ બહુ જ સારો ભાગ લીધો હતો. મે માસની આખર ભાગમાં ગાંધીજીને બોરસદ તાલુકાની મુલાકાત લેવા એક અઠવાડિયા માટે સરદારે બોલાવ્યા. ગાંધીજી આવ્યા તે પહેલાં પ્લેગમાં સપડાયેલાં બધાં ગામોની સફાઈનું કામ પૂરું થઈ ગયું હતું અને પ્લેગનું જોર પણ નરમ પડી ગયું હતું. પોતાની મુલાકાત દરમ્યાન તેમાંનાં ઘણાં ગામોની