પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

કરી કે ભવિષ્યમાં આ રોગ સામે સાવચેતી તરીકે લેવાના ઉપાયોની બાબતમાં તેઓ સૂચનાઓ આપે. આ કમિટીએ પોતાને મળેલો બધો દસ્તાવેજી પુરાવો તપાસીને તથા લોકલ બોર્ડના અધિકારીઓની તેમ જ કાર્યકર્તાઓની જુબાનીઓ લઈને ૧૯૩૫ના ઑક્ટોબરમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. તેમાં જણાવ્યું કે ‘પ્લેગનિવારણની બાબતમાં આરોગ્યખાતાના અધિકારીઓની વર્તણૂક બેદરકારીભરેલી હતી. તેઓ જેને પોતાની શાસ્ત્રીય પદ્ધતિ કહે છે તેનો કશો અમલ તેઓ કરી શક્યા નહોતા. અને કૉંગ્રેસ તરફથી જે ઉપાયો લેવામાં આવ્યા તે સાદા અને લોકો અમલમાં મૂકી શકે એવા હોવા ઉપરાંત શાસ્ત્રીય દૃષ્ટિએ પણ તદ્દન બરાબર હતા. ચાર વર્ષથી જામી પડેલા રોગનું આટલા થોડા વખતમાં નિવારણ કરવાનું કામ આટલી સુંદર રીતે થયું તે સરદાર વલ્લભભાઈ, ડૉ. ભાસ્કર પટેલ અને તેમની બહાદુર સ્વયંસેવકોની ટુકડીની લોકપ્રિયતા અને બાહોશીને આભારી છે.’

૧૪

’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે નાશિક જેલમાં હતા ત્યારે સરદારને નાકની બીમારીને માટે ઑપરેશન કરાવવાની જરૂર હતી. પણ ઑપરેશન માટે સરકારે જે સગવડો આપવા માંડી તે પૂરતી ન હોવાથી સરદારે ઑપરેશન કરાવવાનું માંડી વાળ્યું હતું. એમની બીમારી ઘણી વધી ગઈ. અને જેલના સત્તાવાળાઓને પણ તેની ગંભીરતાને સ્વીકાર કરવો પડ્યો. એટલે ૧૯૩૪ના જુલાઈની શરૂઆતમાં દાક્તરની એક કમિટી નીમીને સરકારે સરદારની બરાબર તપાસ કરાવી. તેમણે અભિપ્રાય આપ્યો કે નાકમાં ઑપરેશન કરાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. અને તેઓ જો મુક્ત હોય તો ઑપરેશનની સગવડ સારી થઈ શકે એમ છે. તે ઉપરથી સરકારે તા. ૧૪–૭–’૩૪ના રોજ તેમને છોડી દીધા. છૂટ્યા પછીનાં તેમનાં બે કામો વિશે કહેવાઈ ગયું છે. તે વખતે દેશની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેનો થોડો ખ્યાલ આ પ્રકરણમાં આપીશું.

૧૯૩૩ના મે માસમાં ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ આદર્યા ત્યારે સરકારે તેમને બિનશરતે છોડી દીધા હતા. ઉપવાસ પૂરા થયા અને સહેજસાજ તાકાત આવી ત્યાર પછી જે રાજદ્વારી કાર્યકર્તાઓ બહાર હતા તેમાંના મુખ્ય મુખ્યની તેમણે પૂનામાં અવૈધ પરિષદ બોલાવી. એ પરિષદમાં ચર્ચાને અંતે સામુદાયિક સવિનય ભંગની લડતને વ્યક્તિગત સવિનય ભંગની