પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સરદાર વલ્લભભાઈ

કાયમનો ખેડહક મળે એમ જાહેરનામામાં કહેવામાં આવ્યું. ગણોત ઘટાડવા ઉપરાંત ખેતમજુરોની રોજીના દર સુધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. કારખાનાના મજૂરોની દશા સુધારવા માટે એમના સંઘો સ્થાપવાનું તથા એમનું સંગઠન કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશમાં દારૂબંધી કરવાનું પણ વચન આપવામાં આવ્યું. જાહેરનામામાં બીજી પણ ઘણી બાબતો હતી પણ ઉપર જણાવી તે મુખ્ય કહી શકાય.

કૉંગ્રેસની ટિકિટ ઉપર ઊભા રહેનારા ઉમેદવારો પસંદ કરવાનું કામ ભારે કઠણ હતું. દરેક પ્રાંતમાં ઉમેદવારોની પસંદગી તો તે પ્રાંતની પ્રાંતિક સમિતિ જ યોગ્ય રીતે કરી શકે. પરંતુ છેવટનો નિર્ણય તેમના ઉપર રાખી શકાય એમ ન હતું. કારણ કેટલીક પ્રાંતિક સમિતિઓમાં પક્ષાપક્ષી હતી. વળી બધી જ પ્રાંતિક સમિતિઓ છેવટના નિર્ણયની જવાબદારી લેવા તૈયાર ન હતી અને ઈચ્છતી હતી કે આ કામ કૉંગ્રેસની કારોબારી સમિતિએ પોતાના હાથમાં રાખવું જોઈએ. એટલે કારોબારી સમિતિએ એક પાર્લમેન્ટરી બોર્ડ નીમ્યું. સરદારને એના પ્રમુખ બનાવ્યા અને પં. ગાવિંદ વલ્લભ પંત એના મંત્રી થયા. ઉમેદવારોની પસંદગી પ્રથમ તો પ્રાંતિક સમિતિની કાર્યવાહક સમિતિ જ કરતી, પણ કોઈ માણસ પ્રાંતના નિર્ણયથી નારાજ હોય તો પાર્લમેન્ટરી બોર્ડ પાસે તેની અપીલ આવતી. ચૂંટણી પ્રચારને અંગે સરદારને આખા હિંદુસ્તાનમાં ખૂબ ફરવું પડ્યું. સરહદ પ્રાંતમાં બહારના કોઈને સરકાર જવા દેતી નહોતી, તે માટે શું કરવું તેનો સરદાર વિચાર કરી રહ્યા હતા. તેવામાં છાપામાં તેમણે વાંચ્યું કે, જ. ઝીણા ચૂંટણીના પ્રચાર અર્થે ત્યાં પહોંચ્યા છે. એટલે પોતાને અને શ્રી ભૂલાભાઈને ત્યાં જવા દેવા માટે તેમણે સરકારને લખ્યું. વડી સરકારથી ના પડાઈ નહીં. રજા મળતાં તેઓ પેશાવર ગયા. પણ બન્નુ, કોહાટ અને ડેરાઈસ્માઈલખાન એ ત્રણ શહેરોમાં જવાની પ્રાન્તિક સરકારે મના કરી. ચાર દિવસ ત્યાંની કડકડતી ઠંડીમાં તેઓ પ્રાંતના બીજા ભાગમાં ફર્યા.

ઉમેદવારની પસંદગીમાં બે મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવતું. કૉંગ્રેસના સિદ્ધાંત અને કાર્યક્રમ મુજબ પ્રામાણિકપણે અને બાહોશીથી એ ઉમેદવારની કામ કરવાની લાયકાત કેટલી છે એ પ્રથમ જોવાનું હતું. બીજું એ પણ જોવું પડતું કે પસંદ કરેલા ઉમેદવારની સફળ થવાની શકયતા કેટલી છે. સરદારની દોરવણી હેઠળ આ પસંદગીને અંગે ઊભા થતા કોયડાઓનો ઉકેલ પાર્લમેન્ટરી બોર્ડ સંતોષપૂર્વક આણી શકી. પણ ઉમેદવારની ચૂંટાવાની શક્યતા કેટલી છે એ જોવા જતાં કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસની સ્વીકૃત નીતિ સાથે અસંગત વસ્તુઓ પણ ધ્યાનમાં લેવી પડી. રાજેન્દ્રબાબુ