પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
પ્રધાનપદાંનો સ્વીકાર
નથી. તેમના ઉપર જે ખાસ જવાબદારીઓ નાખવામાં આવી છે તેનો ઉપયોગ પણ વિના કારણ પ્રધાનોનાં રોજબરોજનાં કામમાં અંતરાય નાખીને અથવા તો તેમનો વિરોધ કરીને તેમાં કરવાના નથી. બંધારણીચ સુધારાના કાયદાનો હેતુ તો એ છે કે પ્રધાનોને એવો વિશ્વાસ બેસે કે ગવર્નરો તથા સનદી નોકરોના સહકારથી પોતાના પ્રાંતના હિતને માટે જે કાયદા તેમને ઘડવા હોય તે તેઓ ઘડી શકે. પ્રાંતિક સ્વરાજનો એ જ અર્થ થાય છે કે પ્રધાનોના ક્ષેત્રમાં આવતી તમામ બાબતો લઘુમતી કોમને લગતી, સનદી નોકરોને લગતી, વગેરે બાબતોમાં પણ ગવર્નરે પોતાની સત્તાનો ઉપયોગ પ્રધાનો જેઓ બ્રિટિશ પાર્લમેન્ટને નહીં પણ પ્રાંતીય ધારાસભાને જવાબદાર છે તેમની સલાહ લઈને જ કરશે. ગવર્નરોને જે ખાસ સત્તાઓ આપવામાં આવી છે તેનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે, છતાં તેમાં પણ તેઓ હંમેશાં પોતાના પ્રધાનોનો સાથ મેળવવાની કાળજી રાખશે.”

વાઈસરૉયે ગાંધીજીની સૂચનાને બહુ મદદરૂપ અને આવકાર લાયક ગણી. તેમણે કહ્યું કે,

“ગવર્નર અને તેના પ્રધાનો વચ્ચે ગંભીર મતભેદ પડે ત્યારે કાં તો પ્રધાનો રાજીનામું આપે અથવા તો ગવર્ન૨ પ્રધાનોને બરતરફ કરે એવું કાયદામાં છે ખરું, પણ ગવર્નરો પોતાના પ્રધાનો સાથે આવા ઝઘડા ઊભા કરવા જરા પણ ઇચ્છતા નથી. મતભેદને પ્રસંગે બંને પક્ષ વચ્ચે સદ્ભાવપૂર્વક સમાધાન થાય તેમ કરવાને તેઓ પોતાથી બનતું બધું કરવા ચૂકશે નહીં. ખાસ જવાબદારીઓની બાબતમાં પ્રધાનોની સલાહથી વિરુદ્ધ વર્તાવાની ગવનરોને સત્તા છે ખરી, પણ તેનો અર્થ એ નથી કે પોતાની ખાસ જવાબદારીઓના સંકુચિત ક્ષેત્રની બહારની બાબતમાં પ્રાંતના રોજબરોજના વહીવટમાં તેને દખલ કરવાની કશી સત્તા છે.”

ભારતમંત્રીએ પણ થોડા દિવસ પછી વિલાયતમાં આ જ જાતનું ભાષણ કર્યું. તેમાં કૉંગ્રેસની માગણીઓ પૂરેપૂરી અને સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી ન હતી. છતાં એ ભાષણોનો ધ્વનિ સ્પષ્ટ હતો કે ગોળ ગોળ રીતે કૉંગ્રેસની માગણીઓ સ્વીકારીને સરકાર તેની સાથે સમાધાન કરવા તૈયાર હતી. એટલે જુલાઈના પહેલા અઠવાડિયામાં કૉંગ્રેસ કારોબારી વર્ધામાં મળી ત્યાં તેણે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“કારોબારી એ નિર્ણય ઉપર આવી છે અને એવો ઠરાવ કરે છે કે જે જે પ્રાંતમાં કૉંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવે ત્યાં તેમને હોદ્દા સ્વીકારવાની પરવાનગી આપવી. પણ તેની સાથે કારોબારી એટલું સ્પષ્ટ કરવા માગે છે કે હોદ્દાનો સ્વીકાર અને તેનો ઉપયોગ કૉંગ્રેસના ચૂંટણીના જાહેરનામામાં જે દિશા બતાવી છે તે દિશાને અનુસરીને કરવાનો છે. કૉંગ્રેસની નીતિ શક્ય તેટલી દરેક રીતે એક તરફથી તેવા બંધારણીય સુધારાના કાયદાની સામે લડત ચલાવવાની અને બીજી તરફથી રચનાત્મક કાર્યક્રમનો અમલ કરવાની છે.”