પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
સરદાર વલ્લભભાઈ

શ્રી નરીમાને એનો તા. ૪થીએ તારથી જવાબ આપ્યો કે,

“બંને મુદ્દાઓ ઉપર તમારા અને બહાદુરજીનો નિર્ણય હું સ્વીકારી લેવા તૈયાર છું.”

પછી તા. ૬ઠ્ઠી ઓગસ્ટે શ્રી નરીમાને ગાંધીજીને કાગળ લખીને કેટલીક વધુ સ્પષ્ટતા માગી. એક વસ્તુ તેમણે એ કહી કે,

“કારોબારી સમિતિના નિર્ણય ઉપર આવી રીતે હું પંચ સ્વીકારું તેનો અર્થ એ થાય કે કારોબારીના ઠરાવની હું અવજ્ઞા કરું છું. માટે ભવિષ્યમાં આવી કોઈ જાતની ગેરસમજ ન થવા પામે તે માટે તમે જે કાર્ય પદ્ધતિ સૂચવી છે તે માટે કૉંગ્રેસના પ્રમુખની મંજુરી અથવા પસંદગી મેળવી આપો. બીજી વાત એ છે કે આ તકરારમાં બહુ ઊંચું અને સત્તાવાળું સ્થાન મેળવનારા માણસો સંડોવાયેલા હોઈ સાક્ષીઓને ખાતરી મળવી જોઈ એ કે તેમને કોઈ પણ જાતની પજવણી કરવામાં આવશે નહીં. આવી ખાતરી ન મળે તો તપાસને ગૂંગળાવી નાખવામાં આવે અને પૂરું સત્ય શોધી કાઢવું મુશ્કેલ પડે.”

તા. ૮મી ઑગસ્ટે કાગળ લખીને ગાંધીજીએ શ્રી નરીમાને કરેલી બંને માગણીઓની નરીમાનને ખાતરી આપી. પરિણામે તા. ૧૦મી ઓગસ્ટે પંડિત જવાહરલાલજીએ કાગળ લખીને શ્રી નરીમાનને જણાવ્યું કે કારોબારી સમિતિને તટસ્થ તપાસ બાબત કશો વાંધો નથી. શ્રી નરીમાને તા. ૧૨મી તારીખે ગાંધીજીને તાર કરીને જણાવ્યું કે,

“મારા પુરાવા રજૂ કરતાં મને થોડો વખત લાગશે.”

એટલે ગાંધીજીએ શ્રી નરીમાનને તારથી જવાબ આપ્યો કે,

“તમારે કેટલો વખત જોઈશે તે મને જણાવો. કારણ ‘બૉમ્બે સેન્ટીનલ’ અને ‘મુંબઈ સમાચાર’માં લખાણો આવ્યા કરે છે અને તેઓ મને આગ્રહ કરે છે. કે આ વસ્તુ ખરી છે કે ખોટી તેનો તમે જવાબ આપો. એટલે મારે નિવેદન કાઢવું એ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. તો સૂચવું છું કે આપણી વચ્ચે ચાલેલો બધો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કરવામાં આવે. તમારી શી ઇચ્છા છે?”

તા. ૧૩મી ઑગટે ગાંધીજીએ પોતાનું નિવેદન બહાર પાડ્યું તેમાં જણાવ્યું કે,

“નરીમાન પ્રકરણ બાબતમાં મેં જે ભાગ લીધો છે તે વિષે છાપાંઓમાં બહુ વિકૃત અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આ પ્રકરણની આસપાસ ઝેરી પ્રચાર ચાલી રહ્યો છે. મેં લીધેલા ભાગ વિષે તો મેં શ્રી નરીમાનને ૧લી ઓગસ્ટે જે કાગળ લખ્યો છે તે જ અહીં આપીશ. તેથી બધો ખુલાસો થઈ જશે” (એ કાગળનો સાર આગળ અપાઈ ગયો છે).

ગાંધીજીએ પોતાના નિવેદનમાં ઉમેર્યું કે,

“આ કાગળ લખાયા પછી મારી અને શ્રી નરીમાન વચ્ચે વિશેષ પત્રવ્યવહાર થયો છે. આજે મને તેમનો તાર મળ્યો છે કે તપાસના બંને મુદ્દા ઉપર પોતાનો પુરાવા તેઓ પાંચ દિવસમાં રજૂ કરશે. હું પાંચ દિવસ રાહ જોઈશ. ત્યાર પછી