પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
સરદાર વલ્લભભાઈ

તે પણ બંને પક્ષોને બતાવવામાં આવ્યાં. અને કોઈ સાક્ષીની સરતપાસ અથવા ઊલટતપાસ કરવી હોય તો તેમ કરવાની બંને પક્ષને તક આપવામાં આવી. પણ બંને પક્ષે વિશેષ મૌખિક તપાસ કરવાની ના પાડી. એટલે કેસનાં બધાં કાગળિયાં તપાસી જઈ તથા શ્રી નરીમાને પોતાના કેસની લંબાણથી દલીલો કરી તે સાંભળી (સરદારે તો કશી દલીલ કરવાની પણ ના પાડી) બહાદુરજીએ પોતાનો ફેંસલો આપ્યો.

૨૦
નરીમાન પ્રકરણ – ૨
તપાસ અને ફેંસલો

આ કેસમાં શ્રી બહાદુરજી તથા ગાંધીજીના પંચને બે મુદ્દા ઉપર ફેંસલો આપવાનો હતો :

( ૧ ) ૧૯૩૪ના નવેમ્બરમાં દિલ્હીની વડી ધારાસભા માટેની મુંબઈની ચૂંટણીમાં શ્રી નરીમાને પોતાના વર્તનથી કૉંગ્રેસને દગો દીધો હતો કે કેમ ?
( ૨ ) ૧૯૩૭માં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારે ગેરવાજબી દબાણ વાપરી શ્રી નરીમાનને નેતા તરીકે ચૂંટાવા ન દીધા એ આક્ષેપમાં વજૂદ છે કે કેમ ?

પહેલા મુદ્દામાં ફરિયાદી સરદાર હોઈ તે સાબિત કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે તેમની ઉપર આવતી હતી. જ્યારે બીજામાં પોતાની ફરિયાદ સાબિત કરવાની જવાબદારી શ્રી નરીમાનની રહેતી હતી.

પ્રથમ ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીવાળો મુદ્દો લઈશું. સરદારનો કેસ પંચ સમક્ષ રજૂ કરેલી તેમની કેફિયતમાં સ્પષ્ટ રીતે મુકાયેલો છે. અહીં એ કેફિયતનો જ સાર આપીશું.

૧૯૩૪ના જુલાઈની ૧૪મી તારીખે સરદાર નાશિક જેલમાંથી છૂટ્યા. કૉંગ્રેસ ઉપરથી સરકારનો પ્રતિબંધ તાજેતરમાં જ ઉઠાવી લેવામાં આવ્યો હતા. પટનામાં મહાસમિતિએ ધારાસભાઓમાં જવાનો કાર્યક્રમ અપનાવ્યો હતો અને નવેમ્બર મહિનામાં વડી ધારાસભાની ચૂંટણીઓ થવાની હતી. સરકાર માનતી હતી કે કૉંગ્રેસને પોતે કચડી નાખી છે અને લોકો હવે એને ટેકો નહીં આપે. કૉંગ્રેસે આ ચૂંટણીઓ દ્વારા પુરવાર કરવાનું હતું કે સરકારના સખત દમન છતાં દેશ કૉંગ્રેસને જ પડખે છે. જોકે લોકોમાં કંઈક નિરુત્સાહ વ્યાપેલો હતો, છતાં દિલમાંથી કૉંગ્રેસ તરફનો પ્રેમ ઓછો થયો નહોતો. લોકોને ઉત્સાહિત કરવા માટે ચૂંટણી થાય તે પહેલાં એટલે ૧૯૩૪ના