પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
નરીમાન પ્રકરણ — ૧
સાથે હું જે નિકટનો સંબંધ ધરાવું છું તે તોડી નાખીશ. વળી જે સાક્ષીઓ મને લખેલી હકીકત ખાનગી રાખવા માગતા હશે તે હકીકત પૂરેપૂરી ખાનગી રહેશે. પણ એ સાક્ષીઓએ એટલું જાણવું જોઈએ કે સરદાર અથવા તો બીજા કોઈ વિષે એમણે નિવેદનમાં જે કંઈ કહ્યું હશે તેના, સરદાર અથવા તો બીજા તરફથી, સમર્થન અથવા વિરોધની જરૂર લાગશે તો તે માટે તેમને નિવેદનની હકીકત જણાવ્યા વિના એ નિવેદનની મારી આગળ કશી કિંમત રહેશે નહીંં. અલબત્ત, હકીકત તેમને જણાવવામાં આવે છતાં નિવેદન કરનારનું નામ તો ખાનગી જ રાખવામાં આવશે. આવો પુરાવો મને ૩૧મી તારીખ પહેલાં મળી જવો જોઈએ.”

શ્રી નરીમાને પોતાના નિવેદનમાં સાક્ષીઓને રક્ષણ આપવાની માગણી કરી હતી તે ઉપરથી તા. ૨૦મી ઑગસ્ટે સરદારે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

“મારી તથા બીજા કૉંગ્રેસીઓ સામે શ્રી નરીમાનની જે ફરિયાદ છે તે વિષે છાપાંઓમાં જે ચર્ચા ચાલે છે તે ઉપરથી હું સમજ્યો છું કે શ્રી નરીમાન એમ ઇચ્છે છે કે સાક્ષીઓને કશું નુકસાન નહીં કરવામાં આવે એવા રક્ષણની ખાતરી મળવી જોઈએ. મારે વિષે તો હું કહી દઉં કે મારી એવી ઇચ્છા હોય તોપણ કોઈને નુકસાન પહોંચાડવાની મારી પાસે સત્તા નથી.
“છેલ્લા કેટલાય મહિનાથી ઘણા માણસો મારી વિરુદ્ધ છાપાંઓમાં લખી રહ્યા છે. હું જાણું છું કે મારી સામે કરવામાં આવતા આક્ષેપો બિનપાયાદર છે. છતાં આવા જૂઠા આક્ષેપો છાપાંમાં આવતા હું અટકાવી શક્યો નથી. એ આક્ષેપો મૂકનારાને પણ હું કશું કરી શક્યો નથી. તેમને જવાબ આપવાથી પણ હું પરહેજ રહ્યો છું. છતાં દલીલની ખાતર એમ માની લઈએ કે કૉંગ્રેસ જેવી પ્રજાતંત્રના બંધારણવાળી સંસ્થામાં હોવા છતાં હું કોઈને નુકસાન પહોંચાડી શકું એમ છું તો હું તેઓને મારા તરફથી હૃદયપૂર્વક ખાતરી આપું છું કે જે કોઈને મારી વિરુદ્ધ કાંઈ પણ કહેવાનું હોય તે મારા તરફથી નુકસાન થવાના કશા ભય રાખ્યા વિના એ કહી શકે છે.”

આ બધું ચાલતું હતું તે દરમ્યાન મુંબઈનાં કેટલાંક છાપાંઓ તો સરદાર તરફથી નરીમાનને થયેલા અન્યાયની ઝુંબેશ ચલાવી જ રહ્યાં હતાં. એટલે તા. ર૧મીએ ગાંધીજીએ બહાદુરજીને કાગળ લખ્યો કે,

“હું તમને તસ્દી આપવા ઇચ્છતો નહોતો અને આ પ્રકરણનાં બધાં કાગળિયાં એકલો જ તપાસી જવાનો મારો ઇરાદો હતો. મારો ચુકાદો શ્રી નરીમાનની વિરુદ્ધ આવે તો જ બધો પુરાવો અને મારો ચુકાદો તમે તપાસી જાઓ એવી મારી યોજના હતી. ૫ણ મુંબઈનાં ઘણાં છાપાંઓ તો અત્યારથી જ મારા નિષ્પક્ષપણા વિષે શંકા ઉઠાવવા મંડ્યાં છે, એટલે બધો પુરાવો તમે જ તપાસી જાઓ એમ હું ઇચ્છું છું.”

બહાદુરજીએ એ વસ્તુનો સ્વીકાર કર્યો અને તપાસનું કામ તેમણે જ ઉપાડી લીધું. બંને પક્ષ તરફથી રજૂ થયેલાં નિવેદનો એકબીજાને બતાવવામાં આવ્યાં. તેનો બંનેએ જવાબ આપ્યો. સાક્ષીઓનાં જે નિવેદન આવ્યાં હતાં