પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
નરીમાન પ્રકરણ — ૨

તેમાં સરનામું જુદું હોવાથી હમણાં જ મને ખબર પડી કે એ તો મારા ભાઈનું નામ છે. બીજે દિવસે ત્રણ વાગ્યે ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનો છેલ્લો સમય હતો એટલે આટલા થોડા સમયમાં બીજો ઉમેદવાર ઊભો કરવો એ પણ કઠણ કામ હતું. છતાં છેલ્લી ઘડીનો પ્રયત્ન કરવાની ખાતર સરદારે પોતાના દીકરા ડાહ્યાભાઈને મારતી મોટરે જઈ હાઈકોર્ટમાંથી શ્રી ભૂલાભાઈને તથા શ્રી મુનશીને બોલાવી લાવવા કહ્યું. જોકે શ્રી મુનશીની ઉમેદવાર તરીકેની ગેરલાયકાત રદ કરવામાં આવેલી નહોતી છતાં તેમને સેક્રેટરિચેટમાં મોટા અમલદારો સાથે સારી ઓળખાણ હતી એ સરદાર જાણતા હતા. એટલે તાબડતોબ પૂના જઈ પોતાની ગેરલાયકાત દૂર કરાવી બીજે દિવસે ત્રણ વાગ્યા પહેલાં પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનું તેમને સરદારે કહ્યું. શ્રી મુનશી પોતાની કેટલીક અંગત મુશ્કેલીઓને કારણે ઊભા થવા ઇચ્છતા ન હતા એ પણ સરદાર જાણતા હતા. પણ કૉંગ્રેસની આબરુનો સવાલ હતો એટલે સરદારના બહુ આગ્રહથી તેઓ માની ગયા. સાથે સાથે જ શ્રી ભૂલાભાઈ, શ્રી મુનશી તથા શ્રી મથુરાદાસ ત્રિકમજીની હાજરીમાં શ્રી નરીમાનને સરદારે સૂચના આપી કે તમારે તમારું ઉમેદવારીપત્ર કોઈ પણ હિસાબે પાછું ખેંચી લેવાનું નથી. અધિકારીઓને વાંધાભરેલું લાગે તો ભલે તેઓ રદ કરે. જો તમારું ઉમેદવારીપત્ર રદ થાય તો જ શ્રી મુનશીએ ઉમેદવારી કરવાની છે. આ પ્રમાણે સૂચના આપી સરદાર તો વર્ધા ઊપડી ગયા. શ્રી ભૂલાભાઈ, શ્રી મુનશી તથા શ્રી નરીમાન ભૂલાભાઈની ઑફિસે ગયા. ત્યાં છોટાલાલ સૉલિસિટર પણ હતા. શ્રી નરીમાને વાત કરવા માંડી કે મતદારોની યાદીમાં મારું નામ નથી. એ વસ્તુની મને આજે જ ખબર પડી. શ્રી છોટાલાલ સૉલિસિટરે તરત જ એનો વિરોધ કર્યો કે તમને તા. ૬ ઠ્ઠીએ સરનામું જુદું હોવાની ફોનથી ખબર આપવામાં આવી હતી. તમે ડૉ. દેશમુખને કહ્યું કે મેં મતદારોની યાદી જોઈ લીધી છે અને તેમાં આપેલું સરનામું બરાબર છે. તે ઉપરથી મતદારોની યાદી પ્રમાણે સરનામું ભરી ઉમેદવારીપત્ર ઉપર મેં તમારી સહી લીધી અને કલેક્ટરને ત્યાં જઈ હું તે નોંધાવી આવ્યો. શ્રી નરીમાને આનો કશો જવાબ આપ્યો નહીં.

તે જ દિવસે સાંજે શ્રી મથુરાદાસ ત્રિકમજી શ્રી મુનશીની ઑફિસમાં ગયા અને જણાવ્યું કે કોઈ ઉમેદવારનું નામ વડી ધારાસભાના મતદારોની યાદીમાં ન હોય, પણ પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં હોય, તો ચૂંટણીના નિયમો પ્રમાણે તે વડી ધારાસભા માટે ઉમેદવારી કરી શકે છે, માટે પોતાના ખરા સરનામા સાથે શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર ભરવું જોઈએ.