પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
સરદાર વલ્લભભાઈ

તો એ છે કે હું જો ઉમેદવાર તરીકે ઊભો રહી શક્યો હોત તો સર કાવસજીને ચૂંટાવાનું વધારે સહેલું થઈ પડત. તેમના કાર્યકર્તાઓ અને સર કાવસજી પોતે પણ એવું માનતા હતા. પહેલાંની ચૂંટણીઓનો અનુભવ એવો છે કે જો હું ઊભો રહું તો સાથી કૉંગ્રેસી ઉમેદવારને મત અપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ મને જ કૉંગ્રેસના એટલા બધા મત મળે કે બીજા કૉંગ્રેસી ઉમેદવારની સ્થિતિ નબળી થાય. છેલ્લી મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં મને બીજા ઉમેદવારો કરતાં દસ હજાર મત વધારે મળ્યા હતા. સર કાવસજીને બદલે પારસીઓના વોટ મને વધારે મળે એમ ધારી તેમની સામે મને ઊભો કરવાની સરદારની યોજના હતી એ વાતમાં કંઈ માલ નથી. કારણ પારસી મતદારોની સંખ્યા કેટલી ? પાછલો અનુભવ એવો છે કે મને તો હિંદુ મતદારોના જ ઘણા મત મળેલા છે. ચૂંટણીને દિવસે દાદર મથકે જઈ ને મેં ડૉ. દેશમુખને બંને મતો અપાવવાનું સ્વયંસેવકોને કહેલું એ વાત પણ તદ્દન ખોટી છે. હું બે વાગ્યે દાદર મથકે ગયેલો ખરો અને ત્યાં મને એમ કહેવામાં પણ આવ્યું કે શ્રી મુનશીને બહુ મતો મળી ગયા છે એટલે ડૉ. દેશમુખને મતો અપાવવાની જરૂર છે. પણ મેં કહેલું કે બધાં મથકો એ ચોક્કસ તપાસ કર્યા વિના આવી સૂચના મારાથી અપાય નહીં. મારી સામે આ આક્ષેપ તો એટલા માટે ઊભો કર્યાનું જણાય છે કે શ્રી મુનશીના એજંટો એકલા શ્રી મુનશીને જ મત મળે એવા પ્રયત્ન કરી રહ્યા હતા અને મુનશીની મોટરગાડીઓ પણ એવાં પાટિયાં સાથે ફરતી હતી કે “મુનશીને મત આપો.” મેં મુનશીની મોટરોમાંથી આવાં પાટિયાં ઉતરાવી નાખ્યાં અને “કૉંગ્રેસને મત આપો” એવાં પાટિયાં મુકાવ્યાં તેથી શ્રી મુનશી અને તેમના એજંટો મારી ઉપર ચિડાયેલા. ચૂંટણી માટે મેં બરાબર કામ નથી કર્યું એવો મારા ઉપર આક્ષેપ છે તે બાબતમાં મારે કહેવું જોઈએ કે ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં મુંબઈમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. સ્વાગત સમિતિનો હું પ્રમુખ હોઈ મારા ઉપર કામનો બોજો એટલો બધો રહેતો કે હું છૂટો હોઉં અને જેટલો વખત આપી શકું તેટલો વખત ચૂંટણીના કામને અને મારા પોતાના ઉમેદવારીપત્રની નોંધણીને પણ આપી શકેલો નહીં. વળી કામની શિથિલતાનું કારણ પૈસાનો અભાવ એ પણ હતું. સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડે કંઈ પણ મદદ આપ્યા વિના આટલા ખર્ચાળ ચૂંટણીના કાર્યનો ભારે બોજો અમારી ઉપર નાખ્યો હતો. અમે પૈસાની માગણી કરી તે ઉપર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

આ છેલ્લી દલીલનો સરદારનો જવાબ એ હતો કે કૉંગ્રેસ તો ૨૯મી ઑક્ટોબરે પૂરી થઈ હતી અને ચૂંટણી તો ૧૪મી નવેમ્બરે હતી એટલે