પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
સરદાર વલ્લભભાઈ

ઊઠી ગયો છે અને અમને જો બહાર આવવાની તક આપવામાં આવશે તો અમે અહિંસાની નીતિ પ્રમાણે દેશનાં કાર્યો કરવામાં વખત ગાળીશું. આ અરસામાં જ આંદામાન ટાપુઓમાંના રાજકીય કેદીઓએ અનશન આદર્યું હતું. એ કેદીઓ હિંદ સરકારના અધિકારમાં હતા. કૉંગ્રેસે અને ગાંધીજીએ એમના તરફથી ખૂબ પ્રયાસો કર્યા જેને પરિણામે હિંદ સરકાર માંડ માંડ એ બધા કેદીઓને પોતપોતાના પ્રાંતમાં મોકલી દેવા કબૂલ થઈ. જ્યારે આ બધા કેદીઓ પોતપોતાના પ્રાંતમાં આવી પહોંચ્યા ત્યારે તેઓ પ્રાંતિક સરકારના કબજામાં આવ્યા, અને એને છૂટા કરવાનું કામ પ્રાંતિક પ્રધાનમંડળોને માથે આવ્યું. બિહાર અને યુક્ત પ્રાંતના તમામ કેદીઓને છોડવાનો ઠરાવ કરવામાં આવ્યો ત્યારે ગવર્નરોએ તેની સામે એ કારણે વાંધો લીધો કે બિહાર અને યુક્ત પ્રાંતના કેદીઓને છોડી દેવામાં આવશે તો તેથી પંજાબ અને બંગાળમાં રમખાણો થવાનો ભય છે. બીજું કારણ તેમણે એ આપ્યું કે કાકોરી કેસના થોડાક કેદીઓને પહેલાં છોડ્યા હતા ત્યારે તેને અંગે ન ઈચ્છવા જેવા દેખાવો થયા હતા અને છૂટેલા કેદીઓએ લોકોમાં ઉશ્કેરાટ ફેલાય એવાં ભાષણો કર્યાં હતાં.

વાઈસરૉયે ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા ઍક્ટની ૧૨૬ (૫) *[૧] કલમ લાગુ કરી કેદીઓને ન છોડી શકાય એવી સ્થિતિ ઊભી કરી. પ્રધાનો સરદાર વલ્લભભાઈ તથા ગાંધીજીને મળ્યા. તેમણે એવી સલાહ આપી કે ગવર્નરો જો રાજકીય કેદીઓને છોડવા તૈયાર ન હોય તો પ્રધાનોએ રાજીનામાં આપી દેવાં જોઇએ. કૉંગ્રેસની કારોબારીએ પણ તે પ્રમાણે ઠરાવ કર્યો. તે ઉપરથી હરિપુરા કૉંગ્રેસમાં જતાં પહેલાં બંને પ્રાંતનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં. ગવર્નરોએ એ વખતે એ સ્વીકાર્યાં નહીં, એમ કહીને કે અમે બીજા પ્રધાનો શોધીએ ત્યાં સુધી તમે કામ ચાલુ રાખો. રાજીનામાં આપેલા પ્રધાનો હરિપુરા કૉંગ્રેસમાં આવ્યા ત્યારે ત્યાંના વાતાવરણમાં એક જાતની ગરમી આવી. જેઓ એમ કહેતા હતા અને ખરેખર માનતા પણ હતા કે આપણે જો પ્રધાનપદ સ્વીકારીશું તો ખુરશીઓનો મોહ લાગશે, અને આપેલાં વચનો વીસરી જવાશે, તેમની આંખ ઊઘડી ગઈ. આ રાજીનામાંને કારણે પ્રધાનપદાં લેવાની વિરુદ્ધ જેઓનો અભિપ્રાય હતો તેમને પોતાનો અભિપ્રાય બદલવો પડ્યો.


  1. *દેશના કોઈ ભાગમાં પ્રાંતિક પ્રધાનના કોઈ કાર્યને લીધે સુલેહશાન્તિ જોખમમાં આવી પડવાનો ભય હોય તે વખતે પ્રાંતિક સરકારો ઉ૫૨ મધ્યવર્તી સરકારનો અંકુશ રાખવાને લગતી આ કલમ હતી.