પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૨
સરદાર વલ્લભભાઈ


પુષ્કળ સેવા કરેલી છે. અમારું પ્રધાનમંડળ પાર્લામેન્ટરી કમિટીએ આ બાબતમાં પહેલેથી જ અમને આપેલી સલાહુ અને દોરવણી માટે તેમનું આભારી છે. તેમની સલાહ અમને મળી ન હોત તો કટોકટી વહેલી ઊભી થઈ ગઈ હોત.”

પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે, સરદારે નીચેનું નિવેદન બહાર પાડયું :

“ઓરિસાના કામચલાઉ ગવર્નરની નિમણુકની બાબતમાં પોતે કરેલી ભૂલ વખતસર સુધારી લેવામાં બ્રિટિશ સરકારે બહુ શોભા બતાવી છે. તે માટે તેને ધન્યવાદ ધટે છે. જેનાં પરિણામ બહુ ગંભીર આવત એવી કટોકટી તેણે ટાળી છે. આ દેશના હાકેમ અને ઈંગ્લંડના અધિકારીઓ જો એટલું સમજી જાય કે બંધારણના ભાવનો તથા તત્ત્વનો જરા પણ ભંગ થશે એ કૉંગ્રેસ સાંખી લેવાની નથી, તો ધણી મૂંઝવણો અને ક્લેશ ટળી જાય. આ બંધારણની અનેક ત્રુટીઓની પોતાને ખબર હોવા છતાં કૉંગ્રેસે હોદ્દાની જવાબદારી સ્વીકારી છે. તેમાં તેનો સ્પષ્ટ ઇરાદો બંધારણને વિશાળ કરવાનો છે. આપણે આશા રાખીએ કે આ જાતનો પ્રસંગ છેલ્લો જ હશે. ઓરિસાના વડા પ્રધાન અને તેમના સાથીઓએ પણ, જેમાં તેમના સ્વમાનનો પ્રશ્ન હતો, એવા બંધારણીય સિદ્ધાંતને માટે દઢ આગ્રહ રાખ્યો તે સારુ તેમને ધન્યવાદ ધટે છે.”

જુદા જુદા પ્રાંતનાં પ્રધાનમંડળમાં સૌથી વધારે ગરબડ થઈ હોય અને કડાકૂટ કરવી પડી હોય તો તે મધ્ય પ્રાંતના પ્રધાનમંડળની બાબતમાં કરવી પડેલી. પ્રધાનમંડળ હસ્તીમાં આવ્યા પછી થોડા જ વખતમાં ત્યાંના ન્યાય અને કાયદા ખાતાના પ્રધાન જનાબ શરીફે એક એવી ગંભીર ભૂલ કરી જેને લીધે લોકલાગણી ખૂબ જ ઉસ્કેરાઈ ગઈ. એક તેર વર્ષની હરિજન બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાના આરોપસર સજા પામેલા કેદીઓને તેમની ત્રીજા ભાગની પણ સજા પૂરી થઈ નહોતી તે પહેલાં દયા બતાવીને તેમણે છોડી દીધા. આમાંના એક આરોપી કેળવણી ખાતામાં પહેલા વર્ગના અમલદાર હોઈ માસિક રૂા. ૭૫૦ની નોકરી ઉપર હતો. વળી તે ખાન સાહેબનો ઈલકાબ ધરાવતા હતા. બીજો આરોપી ફોજદાર હતો. આ બે જ ણાએ બીજા ચાર જણની મદદ લઈ યોજનાપૂર્વક પેલી બાળાને ફસાવીને તેના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. આ ઉપરાંત એક વીમાની બાબતમાં દગો કરવાના આરોપસર સજા પામેલા કેદીને છોડી મૂકવાની પણ પેલા પ્રધાને ભલામણ કરી હતી. કૉંગ્રેસ પ્રધાનમંડળમાં સાધારણ શિરસ્તો એ હતો કે આવા મહત્ત્વના પ્રશ્નોનો વિચાર આખા પ્રધાનમંડળની બેઠકમાં કરવામાં આવતો અને તેના સંયુક્ત નિર્ણય પ્રમાણે ગવર્નર આગળ ભલામણ કરવામાં આવતી. પણ આ બંને કેસમાં પેલા પ્રધાને પોતાના બીજા સાથીઓને પૂછયા વિના જ ગવર્નર પાસે પોતાની ભલામણ રજૂ કરી દીધી. પેલા બળાત્કારવાળા કેસમાં તો ગવર્નરની મંજૂરી પણ મેળવી દીધી. જેને પરિણામે