પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૩
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન


કેદીઓ છુટી જવા પામ્યા. આ વાતની ખબર પડતાં જ બીજા પ્રધાનોએ વાંધો ઉઠાવ્યો. ઉપરાંત લોકોમાં ભારે ચકચાર જાગી. એટલે વીમાવાળા કેસમાં ગવર્નરે સહી કરવાનું મોકૂ રાખ્યું.

સરદારને આ વાતની ખબર પડતાં જ તેમણે પ્રધાન જ. શરીફનો ખુલાસો માગ્યો અને મધ્ય પ્રાંતની ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને આ પ્રશ્ન તરત જ હાથ ધરવા સૂચવ્યું. પોતાના સાથીઓ સાથે મસલત કર્યા વિના પોતે ગવર્નર પાસે પહોંચી ગયા તે માટે પ્રધાન જ. શરીફે ધારાસભાના કૉંગ્રેસ પક્ષની સભામાં પોતાની દિલગીરી દર્શાવી અને રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી. પણ વડા પ્રધાન ડૉ. ખરેનું વલણ જ. શરીફને બચાવી લેવાનું હતું. આ કેસ મહત્ત્વનો હોઈ પાર્લમેન્ટરી કમિટીએ એમનું રાજીનામું કૉંગ્રેસની કારોબારી સમિતિ આગળ રજૂ કર્યું. પ્રધાન તથા છૂટનારા કેદીઓ મુસલમાન હોઈ મુસ્લિમ લીગે એવો ઊહાપોહ મચાવ્યો કે દયા બતાવી કેદીઓને છોડી મૂકવાનું પ્રધાનનું કૃત્ય તેના અધિકારની રૂએ કરેલું હતું. પ્રધાને કાયદાની રૂએ પોતાને મળેલ અધિકાર વાપર્યો તેમાં ધારાસભામાં કૉંગ્રેસ પક્ષ અથવા કૉંગ્રેસની પાર્લામેન્ટરી કમિટી વચ્ચે પડી શકે નહીં. જ. શરીફે એક નિવેદન બહાર પાડ્યું તેમાં જણાવ્યું કે કેદીને છોડવાથી આગળ પાછળ શી અસર પડશે તે મેં ધ્યાનમાં ન લીધું એ મારી ભૂલ ખરી અને તે માટે હું દિલગીર છું, પણ કેવળ ન્યાયનો વિચાર કરતાં તે વખતે મને લાગતું હતું અને અત્યારે પણ લાગે છે કે મેં કશું અનુચિત કર્યું નથી. એટલે પ્રધાનને પૂરો ન્યાય આપવાની ખાતર વર્કિગ કમિટીએ એવો ઠરાવ કર્યો કે,

"ખરો પ્રશ્ન તો એ છે કે પ્રધાને પોતાનો વિવેક વાપરવામાં ન્યાયનો વિનિપાત થાય એવી ગંભીર ભૂલ કરી છે કે કેમ ? જો એણે કરી હોય તો ન્યાચની ખાત૨, કારભારની શુદ્ધતાની ખાતર અને સ્ત્રીઓની આબરૂની રક્ષા ખાતર, તેમણે રાજીનામું આપવું એ જ યોગ્ય માર્ગ છે. પણ જો એમના કૃત્યથી ન્યાયનો વિનિપાત ન થતો હોય તો એમણે રાજીનામું આપવાની જરૂર નથી, એટલું જ નહીં પણ માફી માગવાનીયે જરૂર નથી. આ અબતનો નિર્ણચ કરવાને માટે કારોબારી સમિતિ પાસે પૂરતી હકીકત ન હોવાથી આ કેસની તેમ જ વીમાવાળા કેસની તપાસ કરવાનું કામ કોઈ પ્રખ્યાત ધારાશાસ્ત્રીને સોંપવું. ”

આમજનતાને કારોબારી સમિતિના આ ઠરાવથી સંતોષ ન થયો. તેમનું કહેવું એમ હતું કે આ કેસમાં બે બે અપીલ થઈ છે અને છેક હાઈકોર્ટે પણ આરોપીને ગુનેગાર ઠરાવીને સજા બહાલ રાખી છે. તેમાં વળી વધારે તપાસની શી જરૂર છે ? આ અસંતોષ શાંત પાડવાને ખાતર કારોબારી સમિતિએ જનતાને અપીલ કરી કે તેમણે છેવટના નિર્ણયની રાહ જોવી ઘટે